આનંદનગર હત્યા કેસ મામલે 3 આરોપીની ધરપકડ, એક આરોપી ફરાર



આનંદનગર હત્યા કેસ મામલે 3 આરોપીની ધરપકડ, એક આરોપી ફરાર



Ahmedabad Crime News: અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારના રાજીવ નગરમાં થયેલી નટુ પરમારની હત્યા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. આનંદનગર પોલીસ અને ઝોન સેવન એલસીબી દ્વારા આરોપીઓને બનાસકાંઠા લોકલ પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ત્રણેય આરોપીઓને દાંતીવાડાથી ઝડપી લેવામાં આવ્યા છે. આ કેસના મુખ્ય આરોપી હસમુખ વાઘેલા, કાંતિ ઉર્ફે કનુ ઉર્ફે લેલી વાણા અને ભાવેશ પરમારની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ચોથો આરોપી કેતન ગળચોટ ફરાર થઈ ગયો છે.
મૃતક નટુ પરમારના પુત્ર કૌશિકના લગ્ન માલવિકા સાથે થયા હતા. દાંપત્ય જીવન દરમિયાન કૌશિક અને માલવિકા વચ્ચે વિવાદ ચાલતો હતો. આરોપી હસમુખ વાઘેલાની માલવિકા ભાણેજ થતી હતી. દાંપત્ય જીવનમાં તકરારને લઈને આરોપી હસમુખ અને નટુ પરમાર વચ્ચે ઝઘડો થયો હતો.
ત્યારે થોડા સમય પહેલાં માલવિકાને કુદરતી રીતે ગર્ભપાત થયો હતો. ગર્ભપાતને લઈને બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ઝઘડાને કારણે આરોપીઓ દ્વારા મૃતક પર ડંડા અને પાઇપ વડે હુમલો કરી કરવામાં આવી હત્યા નીપજાવવામાં આવી હતી. આરોપીઓ હત્યા કરી બનાસકાંઠા ફરાર થયા હતા. ત્યાંથી તેઓ રાજસ્થાન તરફ જવાના હતા. પોલીસ પકડથી બચવા માટે આરોપીઓ મંદિરોમાં રાત્રિરોકાણ કરતા હતા. ત્યારે પોલીસને આખરે સફળતા મળી હતી અને ત્રણ આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે એક આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.




