અમદાવાદની ઐતિહાસિક ઓમનગર ધાબાવાળી ચાલીમાં 2 વર્ષથી ગટર-પાણીની સમસ્યા, AMC સામે સ્થાનિકોમાં રોષ


અમદાવાદની ઐતિહાસિક ઓમનગર ધાબાવાળી ચાલીમાં 2 વર્ષથી ગટર-પાણીની સમસ્યા, AMC સામે સ્થાનિકોમાં રોષ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટ સામે અસારવા વોર્ડની ઐતિહાસિક ઓમનગર ધાબાવાળી ચાલીના રહીશોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આઝાદી પહેલાની આ ચાલીમાં છેલ્લા બે વર્ષથી ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓ માટે રહીશો તંત્રના ધક્કા ખાઈ રહ્યા છે.
રહીશોનો દાવો છે કે, ઓમનગર ધાબાવાળી ચાલીમાં ભારતના સંવિધાનના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરના હસ્તે ભૂમિપૂજન થયું હતું. તેમ છતાં આજે અહીં મિલ કામદારોની ચોથી અને પાંચમી પેઢી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહી છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, AMCના એન્જિનિયર વિભાગ દ્વારા ગટર અને પાણીના કામ માટે બજેટ ફાળવવા માટે ચાલીની કમિટી અને ચેરમેન બનાવવાની શરત મૂકવામાં આવી છે. રહીશોનો આરોપ છે કે, અગાઉ 100 ટકા સરકારી ગ્રાન્ટમાંથી વિકાસ કામો થતા હતા, પરંતુ હવે કોઈ કાનૂની આધાર વિના ચાલીને સોસાયટી તરીકે ગણાવી 80:20 સ્કીમ લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે, RTI દ્વારા માહિતી માંગવામાં આવતા પણ ચાલીને સોસાયટીમાં ફેરવવા અંગે કોઈ રેકોર્ડ સામે આવ્યો નથી. તેમ છતાં તંત્ર પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
છેલ્લા બે વર્ષથી પાયાની સુવિધાઓ માટે રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ AMC તંત્રને તાત્કાલિક ગટર અને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી ઐતિહાસિક ચાલીના રહેવાસીઓને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી છે.




