નરોડા પોલીસ વિવાદમાં, સગીરાઓ ગુમ થઈ હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં ઉગ્ર વિરોધ



નરોડા પોલીસ વિવાદમાં, સગીરાઓ ગુમ થઈ હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં ઉગ્ર વિરોધ



Ahmedabad Police: અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનનો નવો વિવાદ સામે આવ્યો છે. સગીરાઓ ગુમ થવા બાબતે વાલીઓ સહિતના લોકોએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે આજે જનતા સેના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઠાકોર સમાજ અને આદિવાસી સમાજની 13 અને 15 વર્ષની બે સગીરાઓ ગુમ થયાને 17 દિવસ વીતી ગયા હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ પોલીસમાં અરજી કરવા છતાં દીકરીઓનો કોઈ પત્તો ન લાગ્યાનો આક્ષેપ કર્યો હતો.
વિરોધ દરમિયાન મામલો ઉગ્ર બનતા નરોડા પોલીસે કેટલાક આંદોલનકારીઓની અટકાયત પણ કરી હતી. પરિવારજનોએ જણાવ્યું કે, એક દીકરીને પોલીસે શોધી પરત લાવી છે, જ્યારે બીજી દીકરી હજુ ગુમ છે અને તેને વહેલી તકે શોધી લાવવાની માગ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, ગુમ થયાની ફરિયાદ ગઈકાલે જ નોંધાઈ હતી અને 24 કલાકમાં એક દીકરીને કચ્છમાંથી શોધી લાવવામાં આવી હતી, જ્યારે બીજી સગીરાની શોધખોળ હાલ ચાલુ છે.




