ગ્લાસગોમાં ‘અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર’નું લોકાર્પણ, ગુજરાતના વૈશ્વિક જોડાણને મળી નવી દિશા


ગ્લાસગોમાં ‘અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર’નું લોકાર્પણ, ગુજરાતના વૈશ્વિક જોડાણને મળી નવી દિશા


સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી, જ્યાં વિશેષ સમારોહ દરમિયાન ‘અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવોના સંબોધન અને ભારતીય મૂળના લોકો સાથેની મુલાકાતો દ્વારા ગુજરાત અને વૈશ્વિક ભારતીય સમુદાય વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકાયો હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત વિકાસ, નવીનતા અને વૈશ્વિક ભાગીદારીનું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીય સમુદાયને રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આવા એક્સપિરિયન્સ સેન્ટરો ગુજરાતની સંસ્કૃતિ, ઉદ્યોગ, રોકાણ અને પર્યટનને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
કાર્યક્રમમાં રાજ્યસભાના સભ્ય તથા ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ પી. ટી. ઉષાએ પણ હાજરી આપી હતી. તેમણે રમતગમત અને આંતરરાષ્ટ્રીય સહકારના ક્ષેત્રમાં ભારતની વધતી પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કર્યો હતો. સ્કોટલેન્ડના ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર અને કેબિનેટ સેક્રેટરી જેની ગિલરૂથ તેમજ કાઉન્સિલર જેક્લિન મેકલારેન પણ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે ભારત અને સ્કોટલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક તથા આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમ ગુજરાતની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સાથે જ ભારતીય પ્રવાસી સમુદાય અને ગુજરાત વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ આપવાનો પ્રયાસ પણ સાબિત થશે.




