અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે હવે ભાવનગર સુધી વિસ્તરશે, 3 મહિનામાં કામ શરૂ થશે: નીતિન ગડકરી



અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે હવે ભાવનગર સુધી વિસ્તરશે, 3 મહિનામાં કામ શરૂ થશે: નીતિન ગડકરી



અમદાવાદ: ગુજરાતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ જાહેરાતમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેને ભાવનગર સુધી લંબાવવાના પ્રોજેક્ટનું કામ આગામી ત્રણ મહિનામાં શરૂ થશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ (National Highway) પ્રોજેક્ટોની સમીક્ષા કરવામાં આવી.
આ દરમિયાન ગડકરીએ જાહેરાત કરી કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેને ભાવનગર સુધી વિસ્તૃત કરવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવશે તેમજ ઔદ્યોગિક અને બંદર વિકાસને વેગ આપશે.
ગડકરીએ રાજ્ય સરકારને સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (CRIF) હેઠળ વધુ નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ માટે કેન્દ્રને સમયસર દરખાસ્તો મોકલવા પણ અનુરોધ કર્યો.
બેઠક દરમિયાન નવેમ્બર 2025માં યોજાયેલી સમીક્ષા બાદ વિવિધ હાઈવે પ્રોજેક્ટ્સમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. પ્રેઝન્ટેશનમાં વડોદરા-મુંબઈ NH-48 સિક્સ લેનિંગ, મોરબી-સમાખિયાળી માર્ગ, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે, અમદાવાદ-ગોધરા-ઈન્દોર રોડ, જામનગર-અમૃતસર એક્સપ્રેસવે, પાલનપુર-સમાખિયાળી કોરિડોર અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન સહિતના મહત્વના પ્રોજેક્ટ્સની વિગતો રજૂ કરવામાં આવી.
ગડકરીએ જમીન સંપાદનને સરળ બનાવવા માટે DPR તૈયાર થતી વખતે 60 દિવસ સુધી NA (નોન-એગ્રીકલ્ચર) મંજૂરી પ્રક્રિયા સ્થગિત રાખવાના ગુજરાત સરકારના મોડેલની પ્રશંસા કરી અને કહ્યું કે આ મોડેલ સમગ્ર દેશ માટે ઉદાહરણ બની શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિવિધ વિભાગો વચ્ચેના અસરકારક સંકલનના કારણે જમીન સંપાદન અને માર્ગ વિકાસના કામોમાં નોંધપાત્ર ઝડપ આવી છે. તેમણે પાલનપુર-સમાખિયાળી કોરિડોરનું કામ પણ ઝડપી પૂર્ણ કરવાની માંગ કરી.
ગડકરીએ રોડ વિસ્તરણ દરમિયાન અસરગ્રસ્ત વૃક્ષોને શક્ય હોય ત્યાં સ્થળાંતરિત કરીને પર્યાવરણનું જતન કરવાની પણ સૂચના આપી.




