અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓટો રિક્ષામાં ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો, બે આરોપી ઝડપાયા



અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓટો રિક્ષામાં ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો, બે આરોપી ઝડપાયા



અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુસાફરોને ઓટો રિક્ષામાં નિશાન બનાવી દાગીના અને રોકડની ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
કાગડાપીઠ વિસ્તારમાં મુસાફરોના દાગીના અને રોકડ ચોરીની ઘટનાઓ સામે આવી હતી. તપાસ દરમિયાન ગીતામંદિર વિસ્તારમાંથી ઓટોમાં બેસેલા મુસાફરની નજર ચૂકવી ચોરી કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ આગળ વધારી આરોપીઓ સુધી પહોંચી કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં સલીમ ઉર્ફે સલ્લો શેખ અને સમશેરખાન પઠાણનો સમાવેશ થાય છે, જેમને દાણીલીમડા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ બંને આરોપીઓની ધરપકડ બાદ તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ ચોરીમાં વપરાયેલી ઓટો રિક્ષા જપ્ત કરવામાં આવી છે. જેમાં સોનાની ચેઇન, બુટી, પેન્ડલ, ચાંદીની ચેઇન અને વીંટીઓ સહિતનો મુદ્દામાલ સામેલ છે. કુલ મળીને રૂ. 4.21 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ બંને આરોપીઓને વધુ તપાસ માટે કાગડાપીઠ પોલીસને સોંપવામાં આવ્યા છે.




