અમદાવાદમાં રથયાત્રા પહેલાં પોલીસ એલર્ટ, ‘ધાબા પોઇન્ટ્સ’ દ્વારા ડ્રોન સર્વેલન્સ સાથે કડક પેટ્રોલિંગ



અમદાવાદમાં રથયાત્રા પહેલાં પોલીસ એલર્ટ, ‘ધાબા પોઇન્ટ્સ’ દ્વારા ડ્રોન સર્વેલન્સ સાથે કડક પેટ્રોલિંગ



Ahmedabad 149th Rath Yatra 2026: ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ વખતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વઘુ સઘન બનાવવામાં આવી છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને શહેર પોલીસ દ્વારા મેગા સિક્યોરિટી પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ‘ધાબા પોઈન્ટ્સ’ બનાવવામાં આવ્યા છે. તેમજ અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ રથયાત્રાના રૂટ અને આસપાસના વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી સતત હવાઈ દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ મારફતે કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ પર ચેકિંગની કામગીરી પણ વધુ કડક બનાવવામાં આવી છે.
રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ, સતત પેટ્રોલિંગ અને વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે નાગરિકોને પણ રથયાત્રા દરમિયાન પોલીસને સહકાર આપવા, અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.




