અમદાવાદમાં યુવતી પર એસિડ એટેક: નરોડામાં બાઈક સવાર શખ્સે કર્યો હુમલો



ફાઈલ ફોટો
અમદાવાદમાં યુવતી પર એસિડ એટેક: નરોડામાં બાઈક સવાર શખ્સે કર્યો હુમલો



ફાઈલ ફોટો
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં યુવતી પર એસિડ હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરોડા ખાતે ગેલેક્સી ચાર રસ્તા નજીક આવેલી એક સોસાયટીમાં આ બનાવ બનતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
માહિતી મુજબ, યુવતી નોકરી પૂર્ણ કરી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે સોસાયટી નજીક એક શખ્સ બાઈક લઈને તેની રાહ જોઈ રહ્યો હતો. યુવતી પહોંચતા જ બાઈક સવાર આરોપીએ તેના પર એસિડ ફેંક્યું અને તરત જ ફરાર થઈ ગયો.
હુમલા બાદ યુવતીએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સદનસીબે યુવતીને હોઠ અને હાથ પર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ડોક્ટરની સારવાર બાદ તેને રજા આપવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાઈક પર બે શખ્સો હતા. જેમાંથી એક શખ્સ પહેલાથી યુવતીની રાહ જોઈ રહ્યો હતો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં આરોપી ઘટના બાદ ભાગતો દેખાય છે.
યુવતી પોતાની માતા સાથે રહેતી હતી. તેની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હુમલાના કારણો જાણવા પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
આ બનાવ બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.




