આમિર ખાનને ધમકી મામલે મોટો ખુલાસો, ફોરેન્સિક તપાસમાં આરઝૂ બિશ્નોઈના અવાજ સાથે ઓડિયો મેચ થવાનો દાવો


આમિર ખાનને ધમકી મામલે મોટો ખુલાસો, ફોરેન્સિક તપાસમાં આરઝૂ બિશ્નોઈના અવાજ સાથે ઓડિયો મેચ થવાનો દાવો


બોલિવૂડ અભિનેતા આમિર ખાનને મળેલી જાનથી મારી નાખવાની ધમકીના મામલામાં તપાસ એજન્સીઓને મહત્વપૂર્ણ સુરાગ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પંજાબ પોલીસની ફોરેન્સિક તપાસ મુજબ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ધમકીભર્યા ઓડિયોમાં સંભળાતો અવાજ કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય આરઝૂ બિશ્નોઈના જૂના વોઇસ સેમ્પલ સાથે મેળ ખાતો હોવાનું સામે આવ્યું છે.
આ રિપોર્ટ બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર સેલે તપાસ તેજ કરી છે. જોકે, પોલીસ ડિજિટલ પુરાવા અને અન્ય ટેક્નિકલ પાસાઓની પણ વિગતવાર તપાસ કરી રહી છે.
તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયરલ ઓડિયોમાં રહેલા અવાજની આરઝૂ બિશ્નોઈના જૂના વોઇસ સેમ્પલ સાથે સરખામણી કરવામાં આવી હતી. તપાસ બાદ પંજાબ પોલીસે આ અંગેની માહિતી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આપી હતી.
થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં બોલનાર વ્યક્તિએ પોતાને આરઝૂ બિશ્નોઈ તરીકે ઓળખાવી આમિર ખાનને ધમકી આપી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી હતી.
સાયબર તપાસમાં ધમકી સાથે જોડાયેલા કેટલાક ડિજિટલ ફૂટપ્રિન્ટ વિદેશ સાથે જોડાયેલા હોવાની માહિતી પણ સામે આવી હતી. વાસ્તવિક લોકેશન અને ડિવાઇસની માહિતી છુપાવવા માટે VPN અને એન્ક્રિપ્ટેડ બ્રાઉઝરનો ઉપયોગ થયો હોવાની આશંકા છે.
હવે પોલીસ એ તપાસી રહી છે કે ઓડિયો ખરેખર આરઝૂ બિશ્નોઈએ રેકોર્ડ કર્યો હતો કે ગેંગના અન્ય કોઈ સભ્યે તેની ઓળખનો ઉપયોગ કર્યો હતો. મુંબઈ પોલીસ, પંજાબ પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે મળીને તપાસ આગળ ધપાવી રહી છે.




