ગાંધીનગરમાં AI આધારિત સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ શરૂ, પંચમેશ્વર સર્કલ બન્યું હાઈ-ટેક



ગાંધીનગરમાં AI આધારિત સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ શરૂ, પંચમેશ્વર સર્કલ બન્યું હાઈ-ટેક



ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના PDPU રોડ પર આવેલા પંચમેશ્વર (હેપીનેસ) સર્કલ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત આધુનિક ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ટ્રાફિકને સુવ્યવસ્થિત બનાવવાની સાથે મુસાફરીનો સમય ઘટાડવાના હેતુથી આ હાઈ-ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે.

આ સ્માર્ટ સિસ્ટમમાં SWARCO ITC-3 ટ્રાફિક કંટ્રોલર અને FLIR TrafiCam AI કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રિયલ-ટાઈમમાં વાહનોની સંખ્યા અને ટ્રાફિકની સ્થિતિનું વિશ્લેષણ કરીને સિગ્નલના સમયને આપમેળે નિયંત્રિત કરે છે. જેના કારણે વાહનચાલકોને બિનજરૂરી રાહ જોવી ન પડે અને ટ્રાફિક વધુ સરળ બને છે.
ખાસ વાત એ છે કે ગુજરાતમાં પ્રથમવાર અહીં Reytekના ઈલ્યુમિનેટેડ LED કેન્ટિલિવર સિગ્નલ પોલ્સ લગાવવામાં આવ્યા છે, જે રાત્રે અને ખરાબ હવામાનમાં પણ દૂરથી સ્પષ્ટ દેખાય છે અને માર્ગ સુરક્ષામાં વધારો કરે છે.
આ ઉપરાંત AI આધારિત કેમેરા 24 અલગ-અલગ ઝોનમાં વાહન અને રાહદારીઓની ગતિવિધિ પર નજર રાખે છે, જે પરંપરાગત સિસ્ટમ કરતાં વધુ ઝડપી અને ચોક્કસ પરિણામ આપે છે. સિસ્ટમ દ્વારા એકત્રિત ડેટા ભવિષ્યમાં ટ્રાફિક આયોજન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ઉપયોગી બનશે.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બની છે. આવનારા સમયમાં શહેરના અન્ય વ્યસ્ત જંકશનો પર પણ આ પ્રકારની ઇન્ટેલિજન્ટ સિસ્ટમ તબક્કાવાર અમલમાં મુકવામાં આવશે.




