2 કરોડના ખર્ચે ચમારડીમાં બનશે ભવ્ય તળાવ અને રિવરફ્રન્ટ



2 કરોડના ખર્ચે ચમારડીમાં બનશે ભવ્ય તળાવ અને રિવરફ્રન્ટ



અમરેલી: ગોપાલ વસ્ત્રપરાની જનસેવા અને જળ સંરક્ષણની અનોખી પહેલ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચમારડી ગામમાં વિકાસ અને જળ સંરક્ષણનું અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. ભામાશા અને સરદાર પ્રેમી તરીકે જાણીતા ગોપાલ વસ્ત્રપરા દ્વારા ગામમાં અંદાજે 2 કરોડના ખર્ચે ભવ્ય તળાવ અને આધુનિક રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે.
આ પ્રકલ્પથી વરસાદી પાણીનો સંગ્રહ થશે, જે ખેડૂતો માટે સિંચાઈમાં આશીર્વાદરૂપ સાબિત થશે. સાથે જ ગામમાં પાણીની સમસ્યામાં પણ રાહત મળશે. તળાવને સુંદર રિવરફ્રન્ટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જ્યાં હરિયાળી, બેઠક વ્યવસ્થા અને ફરવા માટે માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ગોપાલ વસ્ત્રપરા અગાઉ પણ ચમારડીમાં આધુનિક બસ સ્ટેશન અને રાષ્ટ્રપુરુષોની પ્રતિમાઓ બનાવી ચૂક્યા છે. તેઓ અત્યાર સુધીમાં 2000થી વધુ સરદાર પટેલની પ્રતિમાઓ સ્થાપિત કરી ચૂક્યા હોવાનું પણ જાણવા મળે છે.
હવે નવી તળાવ સાઇટ પર પણ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની યોજના તૈયાર થઈ રહી છે. ગામમાં ચાલી રહેલું આ કાર્ય વિકાસ, સંસ્કાર અને સમાજસેવાનું પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે.




