મોટી ખાવડીમાં જામ્યો ભવ્ય લોકડાયરો: અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે કલાકારોની ત્રિપુટીએ જમાવી જબરી મોજ



મોટી ખાવડીમાં જામ્યો ભવ્ય લોકડાયરો: અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે કલાકારોની ત્રિપુટીએ જમાવી જબરી મોજ



જામનગર: જામનગરના મોટી ખાવડી વિસ્તારમાં નિ:સ્વાર્થ અનંત સેવાને કેન્દ્રમાં રાખીને અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી ખાવડી સાથે જોડાયેલા વર્ષો જૂના લાગણીના તંતુઓ ફરી એકવાર જીવંત થયા હતા. કાર્યક્રમમાં લોકગાયકોની લોકપ્રિય ત્રિપુટીએ હકડેઠઠ મેદનીને સંગીતના તાલે ડોલાવી દીધી હતી.

સેવા અને સમર્પણનો ઉત્સવ
અનંત અંબાણીના જન્મદિવસના ઉપલક્ષમાં આયોજિત આ કાર્યક્રમમાં સેવાનો ઉમદા ભાવ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મોટી ખાવડી ગ્રામ પંચાયતના માજી સરપંચ પ્રવિણસિંહ, નાની ખાવડી ગ્રામ પંચાયતના માજી સરપંચ અનુપસિંહ તેમજ મોટી ખાવડીના વર્તમાન સરપંચ ગરવાભાઇ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સાથે મળીને લોકસંગીતના આ લ્હાવાને માણ્યો હતો અને વર્ષો પહેલા માણેલા ડાયરાઓની સ્મૃતિઓ તાજી કરી હતી.

કલાકારોની ત્રિપુટીએ મોજ કરાવી
લોકડાયરાના મંચ પર ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર અને અલ્પાબેન પટેલની ત્રિપુટીએ રમઝટ બોલાવી હતી. માયાભાઈ આહીરના હાસ્યના ફુવારા, કીર્તિદાન ગઢવીના બુલંદ અવાજે ગવાયેલા ભજનો અને અલ્પાબેન પટેલના મધુર કંઠે ગવાયેલા લોકગીતોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉત્સાહિત બનાવી દીધું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ મોડી રાત સુધી આ કાર્યક્રમનો આનંદ લીધો હતો.
સ્મૃતિઓ થઈ સજીવન
સ્થાનિકો માટે આ માત્ર એક ડાયરો નહોતો, પરંતુ જૂની યાદોને તાજી કરવાનો અવસર હતો. મોટી ખાવડી સાથે જેમને દાયકાઓ જૂનો નાતો છે, તેવા તમામ લોકો માટે આ ક્ષણો ભાવુક અને યાદગાર બની રહી હતી. ગ્રામજનોએ આ સુંદર આયોજન બદલ અને અનંત સેવાના સંકલ્પને બિરદાવતા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.




