મહેસાણાના વસાઈમાં ₹64 લાખ લૂંટનો ભેદ ઉકેલાયો, 2 આરોપી ઝડપાયા



મહેસાણાના વસાઈમાં ₹64 લાખ લૂંટનો ભેદ ઉકેલાયો, 2 આરોપી ઝડપાયા



મહેસાણા જિલ્લાના વસાઈમાં બનેલી ₹64 લાખની ચોંકાવનારી લૂંટનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹24 લાખની રોકડ અને લૂંટમાં વપરાયેલી કાર જપ્ત કરી છે. તપાસમાં ખુલ્યું છે કે આ સમગ્ર કાવતરું મલેશિયા સ્થિત ગેંગ દ્વારા રચાયું હતું, જે વિદેશ મોકલવાના બહાને લોકોને નિશાન બનાવતી હતી.
પોલીસ મુજબ, ગેંગનો મુખ્ય સૂત્રધાર નિલેશ બ્રહ્મભટ્ટ મલેશિયામાંથી આખું નેટવર્ક સંચાલિત કરતો હતો, જ્યારે ગુજરાતમાં એજન્ટો દ્વારા યુવકોને ઓસ્ટ્રેલિયા મોકલવાની લાલચ આપવામાં આવતી હતી. ગેંગ ખાસ કરીને કોઈપણ બેંક ટ્રાન્ઝેક્શનથી દૂર રહી માત્ર રોકડમાં જ વ્યવહાર કરતી, જેથી પોલીસને તપાસમાં મુશ્કેલી પડે.
19 એપ્રિલે વસાઈના રાધે ગેસ્ટહાઉસમાં ફરિયાદી પક્ષ પાસેથી ₹64 લાખની રોકડ બતાવવાના બહાને બે શખ્સો પહોંચ્યા હતા. પૈસા ગણ્યા બાદ આરોપીઓએ પિસ્તોલ જેવી હથિયાર બતાવી ધમકી આપી અને સમગ્ર રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમોએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી.
CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે શંકાસ્પદ સ્વિફ્ટ ડિઝાયર કારનો પત્તો લગાવ્યો, જે ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુર થઈ રાજસ્થાન તરફ ભાગી હતી. બાદમાં જોધપુરમાંથી વિશનસિંહ રાઠોડને ₹14 લાખ અને કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછમાં વડોદરાના ભાવેશ વાળંદનું નામ સામે આવ્યું, જેને પોલીસે ધરપકડ કરી ₹10 લાખ કબજે કર્યા.
પોલીસ તપાસમાં બંને આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




