ભાવનગર-જામનગર રોડ પર બસ પલટી મારતા 5 મુસાફરો ઈજા



ભાવનગર-જામનગર રોડ પર બસ પલટી મારતા 5 મુસાફરો ઈજા



ભાવનગરથી જામનગર પરત ફરી રહેલી એક ખાનગી બસ લાઠી નજીક ચાવડ વિસ્તારમાં અચાનક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસમાં બેઠેલા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સિંધી પરિવાર લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ભાવનગરથી જામનગર પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં બસનું નિયંત્રણ ગુમાતા તે પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં અંદાજે 5 મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી.
સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને તરત જ બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું કહેવાઈ રહ્યું છે.
પોલીસ દ્વારા અકસ્માતના કારણોની વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.




