Get News Alerts

Never miss breaking news updates.

34 વર્ષ જૂનો હત્યા કેસ ખુલ્યો, ‘ભૂતિયા’ મકાનમાંથી કંકાલ મળી આવ્યા

આ કામગીરી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે કૂવામાંથી અને ખોદવામાં આવેલા ખાડામાંથી હાડકાં બહાર કાઢ્યા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ અને ફોરેન્સિક ટીમ પણ પહોંચી હતી. તમામ અવશેષોને સાવચેતીપૂર્વક એકત્રિત કરી વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 Apr 2026 04:31 PM IST
34 વર્ષ જૂનો હત્યા કેસ ખુલ્યો, ‘ભૂતિયા’ મકાનમાંથી કંકાલ મળી આવ્યા34 વર્ષ જૂનો હત્યા કેસ ખુલ્યો, ‘ભૂતિયા’ મકાનમાંથી કંકાલ મળી આવ્યા

અમદાવાદ વટવા વિસ્તારમાં વર્ષો જૂના હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 1992ના સમયના આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી દરમિયાન કૂતુંબનગર સોસાયટીમાં ખોદકામ કરતા માનવ કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ,  વટવા વિસ્તારમાં વર્ષ 1992ના એક હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન એક ‘ભૂતિયા’ ગણાતા મકાનમાંથી માનવ કંકાલ મળી આવતા વર્ષો જૂના ગુનાનો ભેદ બહાર આવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.

તપાસમાં સામે આવ્યું છે કે મૂળ ધોળકાની ફરઝાના નામની મહિલાના પ્રથમ લગ્ન સુરતમાં થયા હતા, પરંતુ એક વર્ષમાં જ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ તે શમશુદ્દીન નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. પોલીસે મેળવેલી માહિતી મુજબ ફરઝાના સેક્સ વર્કર તરીકે કામ કરતી હતી.

આ કેસમાં ખુલાસો થયો છે કે વર્ષ 1992માં સાલિયા બીબીના ઘરે ચાર લોકોએ મળીને ફરઝાનાની ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવા છુપાવવા માટે લાશને અગાઉથી તૈયાર કરાયેલા આશરે 20 ફૂટ ઊંડા ખાળકૂવામાં દાટી દેવામાં આવી હતી અને ઉપર પાકું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું.

સ્થાનિકોમાં છેલ્લા ઘણા વર્ષોથી આ મકાન અંગે અફવાઓ ચાલી રહી હતી કે અહીં કોઈ ‘આત્મા’નો વસવાટ છે, જેના કારણે મકાન ખાલી પડ્યું હતું. જોકે, ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર ખોદકામ શરૂ કર્યું હતું. જેસીબીની મદદથી ખાડો ખોદતા માનવના હાડકાં અને કંકાલના અવશેષો મળી આવ્યા હતા.

હાલ પોલીસે આ અવશેષોને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. ફરઝાનાના પરિવારજન, ખાસ કરીને તેના ભાઈના DNA સેમ્પલ સાથે મેચિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, DNA અને FSL રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહની ઓળખ પુષ્ટિ થશે અને આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.