રવિના ટંડનની માતાના ઘરમાંથી ₹25 લાખની ચોરી, પરિવારની વિશ્વાસુ મહિલા ઝડપાઈ



રવિના ટંડનની માતાના ઘરમાંથી ₹25 લાખની ચોરી, પરિવારની વિશ્વાસુ મહિલા ઝડપાઈ



બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનની માતાના ઘરમાંથી આશરે ₹25 લાખના દાગીના અને મોંઘી ઘડિયાળોની ચોરીના મામલે મુંબઈ પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા આરોપી છેલ્લા ઘણા વર્ષોથી પરિવારના સંપર્કમાં હતી અને વિશ્વાસ જીતીને આ ચોરીને અંજામ આપ્યો હોવાનો આરોપ છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલી મહિલાનું નામ રાશિ છાબડિયા છે અને તેની ઉંમર 47 વર્ષ છે. તપાસ મુજબ રાશિ વર્ષ 2020થી ટંડન પરિવાર સાથે જોડાયેલી હતી. તે અભિનેત્રીની માતા વીણા ટંડન ની દેખભાળ માટે નિયમિત રીતે ઘરે આવતી જતી હતી. ઘરકામ, રસોઈ અને વીણા ટંડનની સંભાળ લેતા લેતા તે પરિવારની વિશ્વાસુ વ્યક્તિ બની ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પરિવારનો વિશ્વાસ જીત્યા બાદ ઘરમાં રહેલી કિંમતી વસ્તુઓ પર નજર રાખી હતી. યોગ્ય તક મળતાં તેણે દાગીના અને બે મોંઘી ઘડિયાળો ચોરી લીધી હોવાનો આરોપ છે.
ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પરિવારે લોકરની તપાસ કરી અને તેમાં રાખેલા દાગીના અને ઘડિયાળો ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ઘરમાં આવનજાવન કરનારા લોકોની તપાસ હાથ ધરવામાં આવી અને રાશિ છાબડિયાની પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેણે ચોરીમાં કોઈ સંડોવણી હોવાનો ઇનકાર કર્યો હતો.
જોકે, બાદમાં થયેલી પૂછપરછ દરમિયાન તેણે ચોરી કરેલી ઘડિયાળો પરત આપી હતી અને અન્ય દાગીના એક વ્યક્તિને આપ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ, રવિના ટંડન હાલમાં પોતાની આગામી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, સંજય દત્ત, દિશા પટની અને લારા દત્ત સહિત અનેક કલાકારો જોવા મળશે.




