2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા હર્ષ સંઘવીનું નિવેદન, કહ્યું- અમદાવાદ વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે નવો માપદંડ સ્થાપશે


2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા હર્ષ સંઘવીનું નિવેદન, કહ્યું- અમદાવાદ વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે નવો માપદંડ સ્થાપશે


ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યા બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતની રમતગમત ક્ષેત્રે પ્રગતિ અને અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે 2030ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં ભવ્ય સ્તરે કરવામાં આવશે. ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે વિશ્વસ્તરીય સુવિધાઓ અને ઉત્તમ વાતાવરણ પૂરું પાડવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ આ આયોજન દ્વારા એક નવો માપદંડ સ્થાપિત કરશે.
તેમણે કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સમાં દેશના નાના ગામડાંઓમાંથી આવતા ખેલાડીઓને પણ ભારત સરકારે પ્લેટફોર્મ આપ્યું છે. TOPS અને Khelo India જેવી યોજનાઓના માધ્યમથી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ મળી છે. ખેલાડીઓની મહેનત અને સરકારની પહેલના પરિણામે ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું.
સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના Fit India Movementનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી યુવાનોમાં ફિટનેસ અંગે જાગૃતિ વધારવામાં આ અભિયાનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે Khelo India પહેલને આગળ વધારવા માટે રમતગમતના બજેટમાં આઠ ગણો વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં રમતગમતનું માળખું સતત વિસ્તરી રહ્યું છે, જેનાથી લાખો યુવાનોને રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય માટે નવી તકો મળી રહી છે.




