રાજકોટમાંથી ૧૨ લાખની ૨૦૦૦ કિલો સડેલી બદામનો જથ્થો ઝડપાયો



રાજકોટમાંથી ૧૨ લાખની ૨૦૦૦ કિલો સડેલી બદામનો જથ્થો ઝડપાયો



રાજકોટ: ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ઠંડક મેળવવા માટે ગોલા, કુલ્ફી અને મીઠાઈઓનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે, પરંતુ રાજકોટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ફૂડ વિભાગે બાતમીના આધારે માધાપર ચોકડી નજીક આવેલ યોગી ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડીને માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવી અખાદ્ય બદામનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.
લાઈસન્સ કે GST વગર જ ચાલતું હતું કૌભાંડ
યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી 'હિર એન્ટરપ્રાઇઝ' નામની પેઢી પર ફૂડ વિભાગે અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ પેઢી કોઈપણ પ્રકારના ફૂડ લાઇસન્સ કે GST રજીસ્ટ્રેશન વગર જ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી. અહીં સડેલી બદામનું કતરણ (ઝીણા ટુકડા) કરીને તેને બજારમાં વેચવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હતું.
રૂપિયા ૧૨ લાખની અખાદ્ય બદામ ઝડપાઈ
દરોડા દરમિયાન ફૂડ વિભાગને પેઢીમાંથી અંદાજે ૨૦૦૦ કિલો (૨ ટન) સડેલી અને અખાદ્ય બદામનો જથ્થો મળી આવ્યો હતો. બજાર કિંમત પ્રમાણે આ જથ્થાની કિંમત આશરે ૧૨ લાખ રૂપિયા જેટલી થાય છે. આ બદામનો ઉપયોગ લોકો ઉનાળામાં હોંશે હોંશે ખાતા હોય તેવા ગોલા, કુલ્ફી અને શિખંડ જેવી મીઠાઈઓમાં કરવામાં આવતો હતો.
૩૯ થી વધુ પેઢીઓને સડેલો માલ વેચાયો, સેમ્પલ વડોદરા લેબમાં મોકલાશે
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હિર એન્ટરપ્રાઇઝ દ્વારા રાજકોટ અને આસપાસની ૩૯ થી વધુ પેઢીઓને આ સડેલી બદામનું વેચાણ કરવામાં આવ્યું હતું, જે હવે લોકોના પેટમાં ગઈ હોવાની આશંકા છે. ફૂડ વિભાગે આ અખાદ્ય જથ્થાના સેમ્પલ લઈને તેને વધુ તપાસ માટે વડોદરાની સરકારી લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
નોટિસ ફટકારી નાશ કરવાની પ્રક્રિયા શરૂ
લોકોના આરોગ્ય સાથે ગંભીર ખિલવાડ કરનાર હિર એન્ટરપ્રાઇઝના માલિકને ફૂડ વિભાગ દ્વારા કડક નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ પકડાયેલી ૨૦૦૦ કિલો સડેલી બદામના અખાદ્ય જથ્થાનો તાત્કાલિક નાશ કરવાની કાયદેસરની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. RMC ની આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.




