સેન્ટ્રલ GSTના 2 અધિકારી 20 લાખની લાંચ લેતાં ઝડપાયા



સેન્ટ્રલ GSTના 2 અધિકારી 20 લાખની લાંચ લેતાં ઝડપાયા



રાજકોટ રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી વિભાગના એક ઉચ્ચ અધિકારી અને ટેક્સ કન્સલ્ટન્ટને ૨૦ લાખ રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રંગેહાથ ઝડપ્યા છે. આ કાર્યવાહી બાદ સમગ્ર વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ જીએસટી ડિવિઝન-૧, રેન્જ-૫, રાજકોટના સુપરિન્ટેન્ડેન્ટ મુકેશકુમાર મનબોધકુમાર (૪૩) અને ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ રામેશભાઈ કલોલિયા (૩૩) સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ACBના જણાવ્યા અનુસાર, એક વ્યવસાયીએ જીએસટી ન ભરવા અને ખોટા બિલ બનાવવાના કેસમાં કાર્યવાહી ટાળવા માટે અધિકારીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન મુકેશકુમારે કેસ દબાવવા માટે ૨૫ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. બાદમાં વાટાઘાટો દરમિયાન ૨૦ લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. લાંચની રકમ ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલિયા મારફતે લેવાઈ રહી હતી, જે આ સમગ્ર મામલે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યો હતો.
ફરિયાદીએ સમગ્ર વિગતો ACBને આપતા તંત્રએ તાત્કાલિક ટ્રેપ ગોઠવ્યો હતો. રાજકોટ બસ સ્ટેન્ડ પાછળ મંગળવારે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આકાશ કલોલિયાએ ફરિયાદી પાસેથી ૨૦ લાખ રૂપિયા સ્વીકારતા જ ACBની ટીમે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી ૨૦ લાખ રૂપિયાની રકમ પણ કબ્જે લેવામાં આવી છે.
ACBએ બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય કોઈ અધિકારીઓની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી અધિકારીઓએ આપી છે.
આ કાર્યવાહીથી જીએસટી વિભાગમાં વ્યાપક ચર્ચા શરૂ થઈ છે. છેલ્લા કેટલાક સમયથી વ્યવસાયીઓ પાસેથી લાંચ માંગવાના બનાવો સામે આવતા રહ્યા છે, ત્યારે ACBની આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સામેના સખત સંદેશ તરીકે જોવામાં આવી રહી છે.




