149મી જગન્નાથ રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે અર્પણ કર્યો 'એકતા રથ', સૌહાર્દનો અનોખો સંદેશ


149મી જગન્નાથ રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે અર્પણ કર્યો 'એકતા રથ', સૌહાર્દનો અનોખો સંદેશ


અમદાવાદ: 149મી જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ વચ્ચે અમદાવાદમાં ફરી એકવાર કોમી એકતા અને ભાઈચારાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું. રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજ દ્વારા પરંપરા મુજબ 'એકતા રથ' જગન્નાથ મંદિરના મહંતને વિધિવત અર્પણ કરવામાં આવ્યો.
મુસ્લિમ આગેવાન રૌફ બંગાલીની આગેવાનીમાં તૈયાર કરાયેલા આ વિશેષ રથને અંદાજે 300 ગ્રામથી વધુ ચાંદીથી બનાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે પ્રથમ વખત ચાંદીના આ રથ પર સોનાની વરખ પણ ચઢાવવામાં આવી છે, જેના કારણે રથનું આકર્ષણ વધુ વધ્યું છે.
ત્રણ ઘોડાઓ સાથે તૈયાર કરાયેલા આ એકતા રથને બનાવવા માટે આશરે 15 દિવસનો સમય લાગ્યો હતો. ભગવાન જગન્નાથ પ્રત્યેની આસ્થા સાથે સમાજમાં શાંતિ, એકતા અને સૌહાર્દનો સંદેશ પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ છે.
ગુજરાતમાં થયેલા કોમી રમખાણો બાદ મુસ્લિમ સમાજ દ્વારા એકતા રથ અર્પણ કરવાની પરંપરાની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે પણ અવિરત રીતે ચાલુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ અનોખી પરંપરા જાળવી રાખવામાં આવી છે.
આગામી 16 જુલાઈએ યોજાનારી 149મી જગન્નાથ રથયાત્રામાં આ એકતા રથ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ યુવા પેઢી સુધી એકતા, સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.




