રાજકોટમાં ગેરકાયદે હથિયાર સપ્લાય નેટવર્કનો વધુ એક ભાંડો ફૂટ્યો, બે દિવસમાં 18 હથિયારો સાથે 6 આરોપીઓ ઝડપાયા


રાજકોટમાં ગેરકાયદે હથિયાર સપ્લાય નેટવર્કનો વધુ એક ભાંડો ફૂટ્યો, બે દિવસમાં 18 હથિયારો સાથે 6 આરોપીઓ ઝડપાયા


રાજકોટ શહેરમાં ગેરકાયદે હથિયારોના નેટવર્ક સામે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તપાસનો વ્યાપ વધારતાં વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે છેલ્લા બે દિવસમાં કુલ 18 દેશી બનાવટના ગેરકાયદે હથિયારો, 30 જીવતા કાર્ટ્રિજ અને 6 આરોપીઓને કાયદાના સકંજામાં લેવામાં આવ્યા છે.
પોલીસે અગાઉ ઝડપાયેલા મધ્યપ્રદેશના સકીલ સાદિક મન્સૂરી સહિત પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંદીપ પરમાર નામના શખ્સે આરોપી પ્રદીપ કરપડા પાસેથી બે અલગ-અલગ પ્રસંગે ગેરકાયદે હથિયારો ખરીદ્યા હતા. આ માહિતીના આધારે PCBએ તાત્કાલિક કાર્યવાહી કરીને સંદીપ પરમારની ધરપકડ કરી હતી. તેની પાસેથી વધુ બે દેશી બનાવટના ગેરકાયદે હથિયારો કબ્જે કરવામાં આવ્યા છે.
આ પહેલાં PCBએ મધ્યપ્રદેશથી રાજકોટ સુધી ફેલાયેલા ગેરકાયદે હથિયાર સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કરીને 16 દેશી બનાવટના હથિયારો અને 30 જીવતા કાર્ટ્રિજ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હવે છઠ્ઠા આરોપીની ધરપકડ બાદ સમગ્ર રેકેટની વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ હાલ આરોપીઓના મોબાઇલ ફોન, સંપર્કો તેમજ હથિયારોની ખરીદી-વેચાણની સમગ્ર ચેઇનની તપાસ કરી રહી છે. આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.




