રાજકોટના પોષ વિસ્તારમાં ફાયરિંગ સાથે હત્યા, એક ગંભીર રીતે ઘાયલ; 6થી 7 હુમલાખોરોની સંડોવણીની આશંકા



રાજકોટના પોષ વિસ્તારમાં ફાયરિંગ સાથે હત્યા, એક ગંભીર રીતે ઘાયલ; 6થી 7 હુમલાખોરોની સંડોવણીની આશંકા



રાજકોટ શહેરના પોષ વિસ્તારમાં આવેલા નાના મૌવા નજીક મોકાજી સર્કલ પાસે ગુરુવારે સાંજે ફાયરિંગ સાથે હત્યાની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર કૃષ્ણરાજસિંહ હરદેવસિંહ જાડેજાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જ્યારે તેમના દાદા રહેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. પોલીસને જાણ થતાં જ તાલુકા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ હુમલામાં અંદાજે 6થી 7 હુમલાખોરોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હુમલાખોરોએ ફાયરિંગ કર્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, પોલીસે હજુ સુધી હુમલાખોરોની ઓળખ કે ઘટનાનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી.
પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે જેથી ઘટનાની હકીકત બહાર આવી શકે.
પ્રાથમિક તબક્કે વ્યક્તિગત અદાવત, જૂની દુશ્મની અથવા અન્ય કોઈ કારણને લઈને તપાસની તમામ દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ ફાયરિંગ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




