સાસણગીરમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ક્રિયેટર્સ એવોર્ડ, ફિલ્મી સ્ટાર્સનો જામ્યો મેળો



સાસણગીરમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ક્રિયેટર્સ એવોર્ડ, ફિલ્મી સ્ટાર્સનો જામ્યો મેળો



જૂનાગઢ: વિશ્વપ્રસિદ્ધ સાસણગીર પંથકમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિયેટર્સ એવોર્ડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાસણગીર સ્થિત વાઇલ્ડ ક્લેમ રિસોર્ટ ખાતે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં દેશ-વિદેશના જાણીતા ક્રિએટર્સ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ તેમજ ફિલ્મ જગતના કલાકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ કાર્યક્રમ પહેલા પ્રવાસન દિવસ નિમિત્તે સાસણગીરમાં સિંહ દર્શનનો પણ આનંદ માણ્યો હતો. ગીરના જંગલોમાં એશિયાટિક સિંહોની ગર્જના વચ્ચે મહેમાનોને અનોખો અનુભવ મળ્યો હતો.
વાઇલ્ડ ક્લેમ રિસોર્ટ ખાતે યોજાયેલા આ એવોર્ડ સમારંભમાં વિવિધ ક્ષેત્રે સર્જનાત્મક કાર્ય કરનારા ક્રિએટર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર નોંધપાત્ર યોગદાન આપનાર અનેક યુવા ક્રિએટર્સને એવોર્ડ એનાયત કરાયા હતા.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હિન્દી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારોની હાજરી રહી હતી. ફિલ્મી સિતારાઓએ પોતાની ઉપસ્થિતિથી સમગ્ર કાર્યક્રમને વધુ ભવ્ય અને યાદગાર બનાવી દીધો હતો. સંગીત, લાઈવ પરફોર્મન્સ અને ગ્લેમરસ માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમને ઉપસ્થિત લોકોએ ખૂબ જ વખાણ્યો હતો.
સાસણગીર જેવી વિશ્વપ્રસિદ્ધ પર્યટન ધરતી પર પ્રથમ વખત આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમના આયોજનથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને પણ નવી ઓળખ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




