રાજકોટમાં ફૂડ સેફ્ટી વિભાગની ત્રાટકતી કાર્યવાહી, 6 દિવસમાં 400થી વધુ ખાણીપીણીની પેઢીઓમાં ચેકિંગ



રાજકોટમાં ફૂડ સેફ્ટી વિભાગની ત્રાટકતી કાર્યવાહી, 6 દિવસમાં 400થી વધુ ખાણીપીણીની પેઢીઓમાં ચેકિંગ



રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા જાળવવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 6 દિવસ દરમિયાન મનપાના ફૂડ વિભાગે શહેરભરની 400થી વધુ ખાણીપીણીની પેઢીઓમાં ત્રાટકતી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન વિવિધ સ્થળોએથી અંદાજે 2900 કિલો અખાદ્ય અને માનવ આરોગ્ય માટે હાનિકારક ખાદ્ય સામગ્રી મળી આવી હતી, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરતા કુલ ₹3.18 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
ફૂડ સેફ્ટી અને હાઇજીનના નિયમોનું પાલન ન કરતી 131 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે ગંભીર પ્રકારની બેદરકારી અને નિયમ ભંગના કેસોમાં 4 પેઢીઓને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું મનપાએ જણાવ્યું છે.
રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે આ ઝુંબેશ આગળ પણ ચાલુ રહેશે. આગામી દિવસોમાં મિઠાઈની દુકાનો, દૂધની ડેરીઓ તેમજ બેકરી આઈટમ્સનું પણ સઘન ચેકિંગ કરવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.




