Get News Alerts

Never miss breaking news updates.

અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો, આવતીકાલથી પ્રતિ લિટર ₹2 મોંઘું મળશે દૂધ

મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો, અમૂલ દ્વારા પ્રતિ લિટર રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે, જે આવતીકાલથી એટલે કે 14 મે 2026 થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે.
Admin
AdminUpdated on: 13 May 2026 08:50 PM IST
અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો, આવતીકાલથી પ્રતિ લિટર ₹2 મોંઘું મળશે દૂધઅમૂલ દૂધના ભાવમાં ફરી વધારો, આવતીકાલથી પ્રતિ લિટર ₹2 મોંઘું મળશે દૂધ

મોંઘવારીનો માર ફરી પ્રજાપર : ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. નવા દર મુજબ અમૂલ દૂધ હવે પ્રતિ લિટર ₹2 મોંઘું મળશે. વધારેલા ભાવ 14 મે 2026થી સમગ્ર દેશમાં અમલમાં આવશે.

GCMMFના જણાવ્યા અનુસાર આ ભાવ વધારો મુખ્ય દૂધ વેરિઅન્ટ અને પેક પર લાગુ પડશે. ટકાવારીના હિસાબે આ વધારો અંદાજે 2.5 થી 3.5 ટકા જેટલો છે. ફેડરેશનનું કહેવું છે કે આ વધારો વર્તમાન ખાદ્ય ફુગાવાની સરેરાશ કરતા ઓછો છે. નોંધનીય છે કે, અમૂલ દૂધના ભાવમાં છેલ્લે મે 2025માં વધારો કરવામાં આવ્યો હતો.

શા માટે વધ્યા દૂધના ભાવ?

દૂધના ભાવ વધારાનું મુખ્ય કારણ પશુપાલકોના ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો હોવાનું જણાવાયું છે. છેલ્લા એક વર્ષ દરમિયાન પશુ આહાર, દૂધ પેકેજિંગ ફિલ્મ અને બળતણના ખર્ચમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેના કારણે દૂધ ઉત્પાદન અને વિતરણનો ખર્ચ પણ વધ્યો છે.

GCMMFએ જણાવ્યું કે તેના સભ્ય સંઘોએ ખેડૂતોને ચૂકવવામાં આવતા ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ આશરે ₹30 નો વધારો કર્યો છે, જે અગાઉના દરની સરખામણીએ લગભગ 3.7 ટકા વધુ છે.

ગ્રાહકો પાસેથી મળતા 80 ટકા રૂપિયા સીધા ખેડૂતો સુધી

અમૂલના સહકારી માળખાની સૌથી મોટી વિશેષતા એ છે કે ગ્રાહકો પાસેથી મળતા દરેક રૂપિયામાંથી આશરે 80 ટકા રકમ સીધી દૂધ ઉત્પાદકો સુધી પહોંચે છે. ફેડરેશનના મતે, ભાવ વધારાનો મોટો હિસ્સો 36 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ફાયદો પહોંચાડશે અને તેમને વધતા ખર્ચ સામે રાહત આપશે.

મધ્યમ વર્ગના બજેટ પર પડશે અસર

દૂધના ભાવમાં વધારાથી સામાન્ય પરિવારો અને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોના માસિક બજેટ પર અસર પડી શકે છે. ચા, કોફી, મીઠાઈ અને દૂધ આધારિત ખાદ્યપદાર્થોના ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય ખાદ્ય ફુગાવામાં પણ વધારો કરી શકે છે.

GCMMFનો ટર્નઓવર 73 હજાર કરોડને પાર

અત્રે ઉલ્લેખનીય છે કે Amul સંચાલિત GCMMFએ નાણાકીય વર્ષ દરમિયાન ₹73,450 કરોડના ટર્નઓવર સાથે 11 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાવી છે. ગત વર્ષની સરખામણીએ કંપનીએ નોંધપાત્ર વૃદ્ધિ મેળવી હોવા છતાં વધતા ઉત્પાદન ખર્ચને કારણે ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.