વર્લ્ડ યોગ ડે 2026: વધતી ઉંમરમાં પણ સ્વસ્થ અને સક્રિય જીવન માટે યોગ અપનાવવાની સલાહ



વર્લ્ડ યોગ ડે 2026: વધતી ઉંમરમાં પણ સ્વસ્થ અને સક્રિય જીવન માટે યોગ અપનાવવાની સલાહ



World Yoga Day : યોગ દિવસ 2026 હવે નજીક આવી રહ્યો છે. આ વર્ષે યોગ દિવસની થીમ ખાસ કરીને "વધતી ઉંમર અને સ્વસ્થ જીવન" પર કેન્દ્રિત છે. ભારત સરકારના આયુષ મંત્રાલયે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઉંમર માત્ર એક આંકડો છે, જ્યારે સાચું મહત્વ એ વાતનું છે કે વ્યક્તિ કેટલું સક્રિય અને સ્વસ્થ જીવન જીવે છે.
આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્વસ્થ વૃદ્ધાવસ્થાની શરૂઆત નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને સકારાત્મક જીવનશૈલીથી થાય છે. યોગ આ દિશામાં ખૂબ જ અસરકારક સાધન સાબિત થઈ રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે નિયમિત યોગાભ્યાસથી શરીરની શક્તિ, સંતુલન, લવચીકતા અને માનસિક શાંતિમાં વધારો થાય છે. આ ઉપરાંત ઉંમર વધવાની સાથે થતી અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓને પણ નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
યોગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, યોગ માત્ર કસરત નથી પરંતુ એક સંપૂર્ણ જીવનશૈલી છે. વધતી ઉંમર સાથે ઘણા લોકોને સાંધાના દુખાવા, શરીરની નબળાઈ, તણાવ, ચિંતા અને ઊંઘની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન શરીર તથા મન બંનેને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
નિયમિત યોગાભ્યાસથી હાડકાં મજબૂત બને છે, સ્નાયુઓની શક્તિ વધે છે અને શરીરનું સંતુલન જળવાઈ રહે છે, જેના કારણે પડી જવાની અને ઇજાગ્રસ્ત થવાની શક્યતા ઘટે છે. યોગ તણાવ, ચિંતા અને ડિપ્રેશનને ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. તે મનને શાંત રાખે છે, યાદશક્તિ વધારે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
આયુષ મંત્રાલયે જણાવ્યું છે કે યોગ દરેક ઉંમરના લોકો માટે લાભદાયી છે. યુવાનો હોય કે વડીલો, દરેક વ્યક્તિએ રોજિંદી જીવનમાં ઓછામાં ઓછા 20થી 30 મિનિટ યોગ માટે ફાળવવા જોઈએ, જેથી લાંબું, સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવી શકાય.




