સીરિયામાં મેક્રોનની મુલાકાત દરમિયાન ધડાકા, દમાસ્કસમાં ઉઠ્યા ધુમાડાના ગોટેગોટા



સીરિયામાં મેક્રોનની મુલાકાત દરમિયાન ધડાકા, દમાસ્કસમાં ઉઠ્યા ધુમાડાના ગોટેગોટા



દમાસ્કસ: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની સીરિયા મુલાકાત દરમિયાન રાજધાની દમાસ્કસમાં થયેલા જોરદાર ધડાકાઓએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. મેક્રોન સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરા સાથે મહત્વપૂર્ણ બેઠકમાં વ્યસ્ત હતા ત્યારે શહેરના કેન્દ્ર વિસ્તારમાં બે વિસ્ફોટ થયા હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ધડાકા ફોર સીઝન્સ હોટલ નજીક થયા હતા, જ્યાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ રોકાયા હોવાની માહિતી હતી. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળેથી ધુમાડાના મોટા ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયા વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક વાહન આગની ઝપેટમાં દેખાઈ રહ્યું છે. રસ્તા પર લોહીના ડાઘ પણ જોવા મળ્યા હોવાનું કહેવાય છે. જોકે, અત્યાર સુધીમાં કેટલા લોકો ઘાયલ થયા અથવા મૃત્યુ પામ્યા તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાની જવાબદારી અત્યાર સુધી કોઈ સંગઠને સ્વીકારી નથી.
મેક્રોન સુરક્ષિત, પરંતુ સુરક્ષા પર પ્રશ્નો
ફ્રેન્ચ અને સીરિયન અધિકારીઓના પ્રાથમિક અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ મેક્રોન સંપૂર્ણપણે સુરક્ષિત છે. જોકે, તેમની મુલાકાત દરમિયાન રાજધાનીમાં થયેલા ધડાકાઓએ સીરિયાની સુરક્ષા વ્યવસ્થા અંગે નવી ચર્ચા શરૂ કરી છે.
થોડા દિવસ પહેલાં પણ થયો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં દમાસ્કસના જસ્ટિસ પેલેસ નજીક આવેલા એક કેફેમાં પણ વિસ્ફોટ થયો હતો. તે ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બીજી મોટી ઘટના બાદ દમાસ્કસમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય
ફ્રાન્સના રાષ્ટ્રપતિની સીરિયા મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધોમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું હતું. એવા સમયે થયેલા ધડાકાઓએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. મેક્રોન અને સીરિયાના રાષ્ટ્રપતિ વચ્ચેની બેઠક પર આ ઘટનાની શું અસર પડશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



