પશ્ચિમ બંગાળમાં અંતિમ સંસ્કારથી પરત ફરી રહેલા ચાર યુવકોના મોત, બાઇક દિવાલ સાથે અથડાતાં દુર્ઘટના


પશ્ચિમ બંગાળમાં અંતિમ સંસ્કારથી પરત ફરી રહેલા ચાર યુવકોના મોત, બાઇક દિવાલ સાથે અથડાતાં દુર્ઘટના


પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ચાર યુવકોના મોત થયા છે. ચારેય યુવકો એક જ મોટરસાઇકલ પર સવાર થઈને અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક રસ્તાની બાજુમાં આવેલા એક જૂના મકાનની દિવાલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દિવાલ ધરાશાયી થઈ ગઈ અને ચારેય યુવકો તેની નીચે દબાઈ ગયા.
પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત નદિયા જિલ્લાના રાનાઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના સાહેબ ડાંગા ખાતે ગુરુવારે સવારે થયો હતો. મૃતકો રાનાઘાટના મુસુંડા વિસ્તારના રહેવાસી હતા.
મળતી માહિતી પ્રમાણે, મુસુંડા વિસ્તારની એક વૃદ્ધ મહિલાનું બુધવારે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર માટે પરિવારજનો અને સંબંધીઓ ભાગીરથી નદીના કિનારે આવેલા બાલાગઢ સ્મશાનઘાટ પહોંચ્યા હતા. અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કર્યા બાદ ચારેય યુવકો મોટરસાઇકલ પર સવાર થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં બાઇક ચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને બાઇક જૂના મકાનની દિવાલ સાથે અથડાઈ હતી.
અકસ્મતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ અન્ય બે યુવકોને રાનાઘાટ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતકોની ઓળખ સૌમેન હલદર, પ્રતાપ પ્રમાણિક, અજિત વિશ્વાસ અને સબુજ વિશ્વાસ તરીકે થઈ છે. પોલીસે ઘટનાસ્થળેથી મૃતદેહો કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.




