ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' સફળતાપૂર્વક લોન્ચ


ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' સફળતાપૂર્વક લોન્ચ


શ્રીહરિકોટા: ભારતના અવકાશ ક્ષેત્ર માટે આજે ઐતિહાસિક દિવસ રહ્યો. હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ કંપની સ્કાયરૂટ એરોસ્પેસે ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ લોન્ચ વ્હિકલ 'વિક્રમ-1' સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ પ્રક્ષેપણ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત લોન્ચ પેડ પરથી બપોરે 12:05 વાગ્યે કરવામાં આવ્યું.
મૂળ આયોજન મુજબ લોન્ચિંગ સવારે 11:30 વાગ્યે થવાનું હતું, પરંતુ અંતિમ પાંચ મિનિટ દરમિયાન ટેકનિકલ પ્રક્રિયાના ભાગરૂપે કાઉન્ટડાઉન થોડા સમય માટે રોકવામાં આવ્યું હતું. જરૂરી ચકાસણી બાદ કાઉન્ટડાઉન ફરી શરૂ કરવામાં આવ્યું અને રોકેટનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું.
'વિક્રમ-1' ચાર તબક્કાવાળું આધુનિક રોકેટ છે, જે પૃથ્વીની નીચલી કક્ષા (Low Earth Orbit)માં આશરે 450 કિલોમીટર સુધી પેલોડ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. આ મિશનને 'મિશન આગમન' નામ આપવામાં આવ્યું છે.
વિવિધ ટેકનોલોજી પેલોડ્સ અવકાશમાં મોકલાયા
આ મિશન હેઠળ અનેક ભારતીય કંપનીઓના ટેકનોલોજી અને સંશોધન સંબંધિત પેલોડ્સ અવકાશમાં મોકલવામાં આવ્યા છે. તેમાં ગ્રહ સ્પેસ, કોસ્મોસર્વ સ્પેસ, ડીક્યુબ્ડ તેમજ સ્કાયરૂટ એરોસ્પેસના પોતાના ઇન-હાઉસ પેલોડનો સમાવેશ થાય છે.
18 કેરેટ સોનાની અનોખી કલાકૃતિ પણ અવકાશમાં
આ મિશનની સૌથી વિશેષ બાબત એ છે કે રોકેટ સાથે કોસ્મોસ ડાયમંડ્સ દ્વારા તૈયાર કરાયેલ 'કોસ્મિક બ્લૂમ' નામની કલાકૃતિ અને 18 કેરેટ સોનાથી બનેલો વિશેષ માઇક્રો-આર્ટ પીસ પણ અવકાશમાં મોકલવામાં આવ્યો છે.
આ સોનાના નાનકડા રોકેટ પર ભારતના ત્રણ મહાન વૈજ્ઞાનિકો ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, ડૉ. વિક્રમ સારાભાઈ અને સર સી.વી. રમણની સૂક્ષ્મ આકૃતિઓ કોતરવામાં આવી છે, જે ભારતની વૈજ્ઞાનિક વારસાને અનોખી શ્રદ્ધાંજલિ સમાન છે.
વડાપ્રધાનનો હસ્તલિખિત સંદેશ પણ મોકલાયો
રોકેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તલિખિત પોસ્ટકાર્ડને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ પોસ્ટકાર્ડ પર 'વંદે માતરમ' શબ્દો અંકિત છે, જે આ ઐતિહાસિક મિશનને વધુ વિશેષ બનાવે છે.
ઉલ્લેખનીય છે કે સ્કાયરૂટ એરોસ્પેસે વર્ષ 2022માં 'વિક્રમ-S' નામનું સબ-ઓર્બિટલ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું, જે આશરે 89.5 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચ્યું હતું. હવે 'વિક્રમ-1'ની સફળતા સાથે ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે.




