વટવા પોલીસની મોટી સફળતા: 400 CCTV ફૂટેજ ખંગાળી 4 દિવસમાં મુંબઈ ગયેલા ત્રણ બાળકોને હેમખેમ શોધી કાઢ્યા



વટવા પોલીસની મોટી સફળતા: 400 CCTV ફૂટેજ ખંગાળી 4 દિવસમાં મુંબઈ ગયેલા ત્રણ બાળકોને હેમખેમ શોધી કાઢ્યા



અમદાવાદ: અમદાવાદની વટવા પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોને માત્ર ચાર દિવસમાં સુરક્ષિત રીતે શોધી કાઢીને પ્રશંસનીય કામગીરી કરી છે. આશરે 400 જેટલા CCTV ફૂટેજની તપાસ, ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ શહેરોની પોલીસ સાથે સંકલન કરીને પોલીસ ટીમે બાળકોને વડોદરા રેલવે સ્ટેશન પરથી હેમખેમ શોધી કાઢ્યા હતા.
મળતી માહિતી મુજબ, વટવા વિસ્તારમાં રહેતા કનૈયાકુમાર ઠાકુરના 12 વર્ષીય જોડિયા પુત્રો પ્રિન્સ અને આયુષ તેમજ પડોશમાં રહેતો 18 વર્ષીય આદિલ આબીદહુસેન મલેક ગત 31 મેના રોજ બપોરના સમયે ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. ત્રણેય મિત્રો અગાઉ એક જન્મદિવસની ઉજવણી દરમિયાન બહાર ફરવા જવાનો પ્લાન બનાવી ચૂક્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય બાળકો પોતાની સાયકલ લઈને વટવા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા. વડોદરામાં એક રાત રોકાયા બાદ તેઓ મુંબઈ જવા રવાના થયા હતા.
મુંબઈ પહોંચ્યા બાદ બાળકો બે દિવસ સુધી શહેરના વિવિધ સ્થળોની મુલાકાત લેતા રહ્યા હતા. આ દરમિયાન તેમણે જુહુ ચોપાટી, બાંદ્રા સહિતના વિસ્તારોમાં સાયકલ પર ફરીને સમય પસાર કર્યો હતો.
બીજી તરફ, બાળકો ગુમ થયાની ફરિયાદ મળતા જ વટવા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી વટવાથી મુંબઈ સુધીના રેલવે સ્ટેશનોના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ઉપરાંત બાળકોના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં મોકલી વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મળેલી ટેકનિકલ માહિતીના આધારે પોલીસે બાળકોનો પીછો કરતા તેઓ 4 જૂનના રોજ મુંબઈથી પરત વડોદરા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરા રેલવે સ્ટેશન નજીક રાત્રે રોકાયેલા ત્રણેય બાળકોને વટવા પોલીસની ટીમે શોધી કાઢ્યા હતા અને સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપ્યા હતા.
તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે 18 વર્ષીય આદિલ મલેકની માનસિક સ્થિતિ સ્થિર નથી. પોલીસના જણાવ્યા અનુસાર આદિલ અગાઉ વર્ષ 2019માં પણ ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયો હતો અને ચાર વર્ષ બાદ 2023માં પરત મળ્યો હતો. હાલ તેની દિલ્હીની શાહદરા સ્થિત માનસિક આરોગ્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
વટવા પોલીસની ઝડપી કાર્યવાહી અને સતત ચાર દિવસ સુધી ચાલેલી શોધખોળના કારણે ત્રણેય બાળકોને કોઈપણ અનિચ્છનીય ઘટના વિના સુરક્ષિત રીતે શોધી કાઢવામાં સફળતા મળી છે. આ કામગીરીને પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.




