અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા નિયમો કડક: હવે વધુમાં વધુ 4 વર્ષ જ રહી શકશે વિદ્યાર્થીઓ

ટ્રમ્પ પ્રશાસને અમેરિકામાં અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ વિઝિટર્સ માટે નવા અને કડક વિઝા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો હેઠળ હવે વિદ્યાર્થીઓને વધુમાં વધુ ચાર વર્ષ સુધી જ અમેરિકામાં રહેવાની મંજૂરી મળશે અને વિઝા લંબાવવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી ફરજિયાત રહેશે.
Rahul Desai
Rahul Desai
ફાઈલ ફોટોફાઈલ ફોટો

ફાઈલ ફોટો

વોશિંગ્ટન: અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને વિદેશી વિદ્યાર્થીઓ માટેના વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ હવે F, J અને I શ્રેણીના નોન-ઇમિગ્રન્ટ વિઝાધારકોને અમેરિકામાં તેમના અભ્યાસ અથવા મંજૂર કાર્યક્રમની અવધિ મુજબ રહેવાની મંજૂરી મળશે, પરંતુ આ સમયગાળો વધુમાં વધુ ચાર વર્ષનો જ રહેશે.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)એ દાયકાઓથી અમલમાં રહેલી 'Duration of Status (D/S)' વ્યવસ્થા સમાપ્ત કરી છે. અગાઉ વિદ્યાર્થીઓ અભ્યાસ ચાલુ રાખીને લાંબા સમય સુધી અમેરિકામાં રહી શકતા હતા, પરંતુ હવે રહેવાની સમયમર્યાદા નિશ્ચિત રહેશે.

જો કોઈ વિદ્યાર્થીને અભ્યાસ પૂર્ણ કરવા માટે વધુ સમયની જરૂર પડશે તો તેને સીધા યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) પાસે સ્ટે વધારવા માટે અરજી કરવી પડશે. આ પ્રક્રિયામાં બાયોમેટ્રિક ચકાસણી, બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અને સુરક્ષા તપાસ ફરજિયાત રહેશે.

નવા નિયમો હેઠળ F-1 વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ અમેરિકા છોડવા માટે મળતી 60 દિવસની ગ્રેસ પિરિયડ પણ ઘટાડીને 30 દિવસ કરવામાં આવી છે.

DHSનું કહેવું છે કે નવા નિયમોનો હેતુ ઇમિગ્રેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો, વિઝાના દુરુપયોગને રોકવાનો અને રાષ્ટ્રીય સુરક્ષા વધારવાનો છે.

આ નીતિનો સૌથી વધુ પ્રભાવ ભારત સહિત તે દેશોના વિદ્યાર્થીઓ પર પડશે, જ્યાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જાય છે. હવે અભ્યાસનો સમય વધારવા માટે તેમને વધુ કડક સરકારી મંજૂરી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.