શું તમે જાણો છો? જિમમાં ઉપયોગ થતી ટ્રેડમિલનો મૂળ હેતુ ફિટનેસ નહીં,પરંતુ કેદીઓને સજા આપવાનો હતો



શું તમે જાણો છો? જિમમાં ઉપયોગ થતી ટ્રેડમિલનો મૂળ હેતુ ફિટનેસ નહીં,પરંતુ કેદીઓને સજા આપવાનો હતો



આજના સમયમાં ટ્રેડમિલ જિમ અને ફિટનેસ સેન્ટરનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. વજન ઘટાડવું હોય, ફિટ રહેવું હોય કે પછી દૈનિક કસરત કરવી હોય, લાખો લોકો ટ્રેડમિલનો ઉપયોગ કરે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે આજની આ લોકપ્રિય ફિટનેસ મશીનનો મૂળ હેતુ સ્વાસ્થ્ય સુધારવાનો નહોતો. હકીકતમાં ટ્રેડમિલની શોધ કેદીઓને સજા આપવા માટે કરવામાં આવી હતી.
ઇતિહાસ મુજબ વર્ષ 1818માં બ્રિટિશ ઇજનેર William Cubittએ ‘ટ્રેડવ્હીલ’ નામની એક વિશાળ મશીન તૈયાર કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ જેલના કેદીઓ પાસેથી કઠોર શારીરિક શ્રમ કરાવવાનો અને તેમને શિસ્તમાં રાખવાનો હતો. તે સમયગાળામાં આ મશીન કેદીઓ માટે ડર અને પીડાનું પ્રતીક માનવામાં આવતું હતું.
આ ટ્રેડવ્હીલ આજની આધુનિક ટ્રેડમિલ જેવી નહોતી પરંતુ તે એક મોટા ફરતા પૈડાં જેવી રચના ધરાવતી હતી, જેના પર કેદીઓને સતત ચલાવવામાં આવતા હતા. જો કોઈ કેદી ધીમો પડી જાય અથવા થોડી ક્ષણ માટે પણ અટકી જાય તો તેનું સંતુલન બગડી શકે અને પડવાનો ભય રહેતો હતો.
કેદીઓ દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાનો ઉપયોગ તે સમયના કેટલાક વ્યવહારુ કાર્યો માટે પણ કરવામાં આવતો હતો. આ ઊર્જાથી અનાજ દળવું, પાણી પંપ કરવું જેવા કાર્ય કરવામાં આવતા હતા. જોકે, ઘણી જેલોમાં આ મશીનનો કોઈ ઉપયોગી હેતુ નહોતો. ત્યાં તેનો ઉપયોગ માત્ર કેદીઓને લાંબા સમય સુધી શારીરિક અને માનસિક પીડા પહોંચાડવા માટે કરવામાં આવતો હતો.
સમય જતાં આ મશીનમાં ઘણા સુધારા થયા અને તે સજાના સાધનમાંથી ફિટનેસ સાધનમાં પરિવર્તિત થઈ ગઈ. આજે ટ્રેડમિલ સ્વાસ્થ્ય અને કસરતનું પ્રતીક છે, પરંતુ તેનો આ ઇતિહાસ ઘણો રસપ્રદ અને આશ્ચર્યજનક રહ્યો છે.




