કેનેડાના સ્ટ્રીટ ફેસ્ટિવલ નજીક અંધાધૂંધ ફાયરિંગ, 2નાં મોત


કેનેડાના સ્ટ્રીટ ફેસ્ટિવલ નજીક અંધાધૂંધ ફાયરિંગ, 2નાં મોત


ટોરોન્ટો: કેનેડાના ટોરોન્ટોમાં એક લોકપ્રિય સ્ટ્રીટ ફેસ્ટિવલ નજીક ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. ગોળીબારમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લઈ તપાસ શરૂ કરી છે.
સાલસા ફેસ્ટિવલ નજીક ફાયરિંગથી અફરાતફરી
સ્થાનિક સમય અનુસાર શનિવારે ટોરોન્ટોમાં લોકપ્રિય ‘સાલસા ઓન સેન્ટ ક્લેર’ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો ત્યારે નજીકના વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. વાર્ષિક લેટિનો થીમ આધારિત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સંગીત, નૃત્ય અને ભોજનનો આનંદ માણવા એકત્ર થયા હતા.
ફાયરિંગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટોરોન્ટો પોલીસે શરૂઆતમાં ‘એક્ટિવ શૂટર’ અંગે એલર્ટ જાહેર કરી સ્થાનિક લોકો અને મુલાકાતીઓને વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી હતી.
પાંચ લોકો ગોળી વાગેલી હાલતમાં મળ્યા
પોલીસના જણાવ્યા મુજબ, સેન્ટ ક્લેર એવન્યુ વેસ્ટ અને અર્લિંગ્ટન એવન્યુના આંતરછેદ નજીક પાંચ લોકો ગોળી વાગેલી હાલતમાં મળી આવ્યા હતા. ઇમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા.
અધિકારીઓએ બાદમાં બે લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી, જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
પોલીસે વિસ્તારને સુરક્ષિત કર્યો, હુમલાખોર અંગે તપાસ
ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી હતી અને લોકોને પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી ઘટનાસ્થળથી દૂર રહેવાની સલાહ આપી હતી. બાદમાં પોલીસે વિસ્તાર સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી હતી.
જોકે, તાજી માહિતી સુધી આ કેસમાં કોઈ ધરપકડ અંગે સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવી નથી. તપાસ એજન્સીઓ ફાયરિંગ પાછળનું કારણ અને ઘટનાક્રમ જાણવા તપાસ કરી રહી છે.
કેનેડામાં ફાયરિંગની ઘટનાઓએ વધારી ચિંતા
આ ઘટના મોન્ટ્રિયલમાં થયેલી જીવલેણ ફાયરિંગના થોડા અઠવાડિયા બાદ સામે આવી છે. મોન્ટ્રિયલની ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત બે લોકોનાં મોત થયા હતા. બાદમાં પોલીસે હુમલાખોરને ઠાર કર્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં પશ્ચિમ કેનેડાના ટમ્બલર રિજના એક સ્કૂલમાં પણ ગંભીર ગોળીબારની ઘટના બની હતી. આ હુમલામાં આઠ લોકોનાં મોત અને 27 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
કેનેડામાં સતત સામે આવી રહેલી ફાયરિંગની ઘટનાઓને કારણે જાહેર સુરક્ષા અને ગન વાયોલન્સના મુદ્દે ફરી ચિંતા વધી છે.




