
જૂનાગઢ શહેરના વોર્ડ નં. 1માં છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા પાણી અને રસ્તાના કામને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા ખોદકામને કારણે ઊડતી ધૂળ, તૂટેલા રસ્તા અને અવારનવાર પાણી પુરવઠો ખોરવાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કામ અધૂરું રહેતા સ્થાનિકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.

સ્થાનિક વેપારીઓ અને નાગરિકોનું કહેવું છે કે રોડ ખોદકામ અને પહોળો કરવાની કામગીરી શરૂ કરતા પહેલા વીજપોલ હટાવવાની કામગીરી પૂર્ણ કરવી જરૂરી હતી. અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે હવે રોડનું કામ અધવચ્ચે અટકી ગયું છે. લોકોનું કહેવું છે કે જો વહેલી તકે વીજપોલ હટાવવામાં નહીં આવે તો ચોમાસા પહેલા ડામર રોડની કામગીરી અધૂરી રહી જશે અને રસ્તાની વચ્ચે થાંભલા રહી જવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.