કવાંટમાં રોડ પહોળો કરવાની કામગીરી વચ્ચે વીજપોલ બન્યા અડચણ, વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ



કવાંટમાં રોડ પહોળો કરવાની કામગીરી વચ્ચે વીજપોલ બન્યા અડચણ, વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ



છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા નવા માર્ગની કામગીરી હવે વિવાદોમાં આવી છે. કવાંટ વિસ્તારમાં અંદાજે એક કિલોમીટર લાંબા માર્ગને ચાર કરોડ રૂપિયાના ખર્ચે પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ માર્ગ વચ્ચે આવેલા વીજપોલ હટાવવામાં ન આવતા સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માહિતી મુજબ સ્ટેટ આર એન્ડ બી વિભાગ અને વી.એસ. શાહ નામની એજન્સી દ્વારા રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ પર મેટલિંગ સહિતની પ્રાથમિક કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, છતાં હજુ સુધી રસ્તાની વચ્ચે આવેલા વીજપોલ હટાવવામાં આવ્યા નથી. જેના કારણે કામગીરી અટવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા મધ્યગુજરાત વીજ કંપનીને અંદાજે 20 દિવસ પહેલા વીજપોલ હટાવવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જોકે હજુ સુધી વીજ કંપની દ્વારા એસ્ટિમેટ આપવામાં આવ્યું નથી, જેના કારણે આગળની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.
સ્થાનિક વેપારીઓ અને નાગરિકોનું કહેવું છે કે રોડ ખોદકામ અને પહોળો કરવાની કામગીરી શરૂ કરતા પહેલા વીજપોલ હટાવવાની કામગીરી પૂર્ણ કરવી જરૂરી હતી. અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે હવે રોડનું કામ અધવચ્ચે અટકી ગયું છે. લોકોનું કહેવું છે કે જો વહેલી તકે વીજપોલ હટાવવામાં નહીં આવે તો ચોમાસા પહેલા ડામર રોડની કામગીરી અધૂરી રહી જશે અને રસ્તાની વચ્ચે થાંભલા રહી જવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
કવાંટ તાલુકાના 100થી વધુ ગામોના લોકો ખરીદી અને અન્ય કામો માટે કવાંટ શહેરમાં આવતા હોય છે. નસવાડી ચોકડી અને બોડેલી તરફ જતો આ મુખ્ય માર્ગ હાલમાં ખોદકામના કારણે મુશ્કેલીજનક બન્યો છે. હાલમાં માર્ગ પર મેટલિંગની કામગીરી ચાલી રહી હોવાથી વાહનચાલકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે સ્ટેટ આર એન્ડ બી વિભાગ અને મધ્યગુજરાત વીજ કંપની વચ્ચે યોગ્ય સંકલન કરીને વહેલી તકે વીજપોલ હટાવી માર્ગની કામગીરી પૂર્ણ કરવામાં આવે, જેથી ચોમાસા પહેલા લોકોને સારો રસ્તો મળી શકે.




