સાંસદ કાકોલી ઘોષનો મોટો દાવો, 20 સાંસદો સાથે NDAમાં જોડાવવા ઓમ બિરલાને લખ્યો પત્ર



સાંસદ કાકોલી ઘોષનો મોટો દાવો, 20 સાંસદો સાથે NDAમાં જોડાવવા ઓમ બિરલાને લખ્યો પત્ર



TMC Kakoli Ghosh: તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર છવાયેલું રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર અને 58 ધારાસભ્યોના બળવાનો સામનો કર્યા પછી TMCને હવે સંસદમાં મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે પાર્ટીના લોકસભા સાંસદ, કાકોલી ઘોષ દસ્તીદારે તૃણમૂલ કોંગ્રેસમાં ભાગલા પડવાની અટકળોને પુષ્ટિ આપી હતી. ઘોષે કહ્યું કે, તેમની સાથે લગભગ 20 TMC સાંસદોએ ભાજપના નેતૃત્વ હેઠળના NDAને ટેકો આપવાનો નિર્ણય લીધો છે.
કાકોલી ઘોષે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, 20 ટીએમસી સાંસદો દ્વારા હસ્તાક્ષરિત પત્ર લોકસભા સ્પીકર ઓમ બિરલાને મોકલવામાં આવ્યો છે. જેમાં એનડીએ સાથે જોડાણ કરવાની તેમની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે. પાર્ટીના વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો હતો કે, લગભગ 20 ટીએમસી સાંસદોએ રાષ્ટ્રીય લોકશાહી જોડાણને ટેકો આપવા માટે લોકસભા સ્પીકરને પોતાનો અભિપ્રાય આપ્યો છે.
કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું હતું કે, જૂથે રાજકીય રીતે NDA સાથે જોડાવાનો નિર્ણય લીધો છે અને દલીલ કરી હતી કે તે જાહેર અભિપ્રાયને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યુ કે, ‘અમે જનતાના નિર્ણયનો સ્વીકાર કર્યો છે અને માનીએ છીએ કે અમારો ભાવિ રાજકીય માર્ગ NDA સાથે જોડાવો જોઈએ’. TMC નેતૃત્વએ હજુ સુધી આ દાવાઓનો જવાબ આપ્યો નથી.




