મમતા બેનર્જીની પાર્ટીમાં ભંગાણ, પણ એકનાથ શિંદેની ચિંતા કેમ વધી? સમજો બંગાળથી મહારાષ્ટ્ર સુધીનો રાજકીય કનેક્શન



મમતા બેનર્જીની પાર્ટીમાં ભંગાણ, પણ એકનાથ શિંદેની ચિંતા કેમ વધી? સમજો બંગાળથી મહારાષ્ટ્ર સુધીનો રાજકીય કનેક્શન



Mamata Banerjee: પશ્ચિમ બંગાળની રાજનીતિમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અંદર ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને સંભવિત ભંગાણની ચર્ચાએ દેશની રાજનીતિમાં નવી હલચલ મચાવી છે. પરંતુ આ ઘટનાનો અસરકારક પડછાયો માત્ર બંગાળ પૂરતો સીમિત નથી, તે મહારાષ્ટ્ર સુધી પહોંચી રહ્યો છે અને ખાસ કરીને ઉપમુખમંત્રી એકનાથ શિંદેની રાજકીય સ્થિતિ પર તેની અસર પડી શકે છે.
રાજકીય સૂત્રો મુજબ TMCના કેટલાક સાંસદો અલગ જૂથ બનાવીને એનડીએ (NDA)ને સમર્થન આપી શકે છે. જો આવું થાય તો લોકસભામાં એનડીએની સંખ્યા વધુ મજબૂત બનશે. 2024ની લોકસભા ચૂંટણી બાદ ભાજપને પૂર્ણ બહુમતી ન મળતાં NDAમાં સહયોગી પક્ષોની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઈ હતી. તેમાં એકનાથ શિંદેની શિવસેનાના 7 સાંસદો પણ સામેલ છે, જેના કારણે શિંદેની દિલ્હીમાં રાજકીય અસર નોંધપાત્ર બની હતી.
શિંદે માટે આ 7 સાંસદો કેન્દ્રમાં તેમની સૌથી મોટી શક્તિ માનવામાં આવે છે. આ જ કારણે તેઓ મુંબઈ અથવા રાજ્યની રાજનીતિમાં મતભેદ થાય ત્યારે સીધા દિલ્હી જઈને ભાજપના ટોચના નેતૃત્વ સાથે વાત કરી શકતા હતા. પરંતુ જો TMCના બાગી સાંસદો NDA સાથે જોડાય છે, તો કેન્દ્રમાં NDA વધુ મજબૂત બને છે અને શિંદેની ‘બારગેઇનિંગ પાવર’ ઘટી શકે છે.
મહારાષ્ટ્રમાં ભાજપ પહેલેથી જ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને અજિત પવારના જૂથનું પણ સમર્થન તેને મળ્યું છે. આવી સ્થિતિમાં શિંદેની ભૂમિકા તુલનાત્મક રીતે નબળી પડી છે. તેથી જ તેમના માટે કેન્દ્રમાં મળતું સાંસદીય સમર્થન અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભવિષ્યમાં શિંદે પોતાની સ્થિતિ મજબૂત રાખવા માટે ઉદ્ધવ ઠાકરે ગઠના કેટલાક સાંસદોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી શકે છે. જો તેમની સાંસદોની સંખ્યા વધે તો તેઓ ફરીથી NDAમાં વધુ મજબૂત દબદબો મેળવી શકે છે.
કુલ મળીને, બંગાળમાં ચાલતી રાજકીય હલચલ હવે મહારાષ્ટ્રની સત્તાની ગણિતને પણ અસર કરી શકે છે. હવે નજર એ પર રહેશે કે TMCના સાંસદો ખરેખર NDA તરફ જાય છે કે નહીં અને તેનો મહારાષ્ટ્રની રાજનીતિ પર કેટલો પ્રભાવ પડે છે.




