તેલંગાણામાં પોક્સો કેસના આરોપીએ પત્ની-બે બાળકો સહિત 6 લોકોની હત્યા કરી


તેલંગાણામાં પોક્સો કેસના આરોપીએ પત્ની-બે બાળકો સહિત 6 લોકોની હત્યા કરી


તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લાના શાહાબાદ વિસ્તારના દૈવલાગુડા ગામમાં થયેલી સામૂહિક હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોક્સો કેસમાં જામીન પર બહાર આવેલા આરોપીએ પોતાની પત્ની અને બે બાળકો સહિત કુલ છ લોકોની ચાકૂ મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની ઓળખ રાજશેખર તરીકે થઈ છે. થોડા દિવસો અગાઉ તેની સામે એક સગીરા સાથે છેડછાડના આરોપસર પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં જામીન મળ્યા બાદ તેણે કથિત રીતે બદલો લેવા માટે આ ભયાનક હત્યાકાંડને અંજામ આપ્યો.
પ્રાથમિક તપાસ અનુસાર, રાજશેખરે સૌપ્રથમ પોતાની પત્ની અને બે બાળકો પર ચાકૂથી હુમલો કરી તેમની હત્યા કરી હતી. ત્યારબાદ તે અન્ય સ્થળે પહોંચ્યો, જ્યાં પોક્સો કેસમાં ફરિયાદી રહેલી સગીરા, તેની માતા અને નાની પર જીવલેણ હુમલો કરીને તેમની પણ હત્યા કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ પોતાના વિરુદ્ધ નોંધાયેલા પોક્સો કેસથી નારાજ થઈ બદલો લેવાની ભાવનાથી આ ગુનો આચર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. બાદમાં તેને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જઈ તેની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
હાલ પોલીસે સમગ્ર મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. તપાસ અધિકારીઓ હત્યાકાંડનો ચોક્કસ ઘટનાક્રમ, હત્યાનું કારણ અને અન્ય સંભવિત પાસાઓની તપાસ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.




