સુરત ગ્રામ્ય પોલીસે છેલ્લા ૧૦ દિવસમાં નાસતા ફરતા ૫૫ આરોપીઓની ધરપકડ કરી



સુરત ગ્રામ્ય પોલીસે છેલ્લા ૧૦ દિવસમાં નાસતા ફરતા ૫૫ આરોપીઓની ધરપકડ કરી



સુરત: સુરત ગ્રામ્ય પોલીસે છેલ્લા 10 દિવસ દરમિયાન હાથ ધરેલી વિશેષ મેગા ડ્રાઈવમાં મોટી સફળતા મેળવી છે. વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર રહેલા કુલ 55 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આરોપીઓમાં ઘણા એવા ગુનેગારોનો સમાવેશ થાય છે, જેઓ રેપ, ચોરી, લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા. કેટલાક આરોપીઓ છેલ્લા 6થી 7 વર્ષથી પોલીસ પકડથી દૂર રહી ફરાર જીવન જીવી રહ્યા હતા.
ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે સુરત ગ્રામ્ય પોલીસે છેલ્લા 10 દિવસથી વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન વિવિધ ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં તપાસ અને દેખરેખ રાખી કાર્યવાહી હાથ ધરી હતી, જેના પરિણામે 55 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક આરોપીઓ ગુનો આચર્યા બાદ ફરાર થઈ ગયા હતા, જ્યારે કેટલાક પેરોલ દરમિયાન નાસી છૂટ્યા હતા. આવા તમામ આરોપીઓને શોધી કાયદાની પકડમાં લાવવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ સફળ કામગીરી બદલ સુરત ગ્રામ્ય પોલીસ વડા રાજેશ ગઢિયાએ સમગ્ર પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી જ અસરકારક કામગીરી ચાલુ રાખવા સૂચના આપી હતી.




