વિકાસના નામે વૃક્ષોની કાપણીથી પર્યાવરણ સાથે ચેડાં, મુંબઈની હાલત ખરાબ : સુપ્રિયા સૂલે



વિકાસના નામે વૃક્ષોની કાપણીથી પર્યાવરણ સાથે ચેડાં, મુંબઈની હાલત ખરાબ : સુપ્રિયા સૂલે



એનસીપી (શરદચંદ્ર પવાર)ના સાંસદ સુપ્રિયા સૂલેએ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ભૂસ્ખલન, બગડેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટ્સને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે વિકાસના નામે મોટા પાયે વૃક્ષોની કાપણી થઈ રહી છે અને પર્યાવરણની અવગણનાના કારણે સામાન્ય લોકોને તેની ભારે કિંમત ચૂકવવી પડી રહી છે.
સુપ્રિયા સૂલેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં અનેક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, પરંતુ તેમાં પર્યાવરણના સંરક્ષણને પૂરતું મહત્વ આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે વૃક્ષોની અંધાધૂંધ કાપણી અને કુદરતી સંતુલન સાથે કરવામાં આવેલા ચેડાંના પરિણામે ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલન જેવી ઘટનાઓ વધી રહી છે, જેમાં નિર્દોષ લોકોના જીવ પણ જઈ રહ્યા છે. તેમણે મુખ્યમંત્રીને સમગ્ર મામલે સ્વતંત્ર ઓડિટ કરાવી રાજ્યની જનતા સમક્ષ વાસ્તવિક સ્થિતિ રજૂ કરવાની માંગ કરી.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદથી મુંબઈ, પુણે સહિત અનેક શહેરોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આ અંગે સુલેએ કહ્યું કે રાજ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે. દેશના મહત્વના શહેરોમાં રસ્તાઓ, ટ્રાફિક વ્યવસ્થા અને અન્ય મૂળભૂત સુવિધાઓ વરસાદ સામે નિષ્ફળ સાબિત થઈ રહી છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે તમામ ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.
અયોધ્યાના રામ મંદિરના ચઢાવામાં કથિત ગેરરીતિના મુદ્દે પણ સુલેએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે અયોધ્યા અને ઉજ્જૈન જેવા ધાર્મિક સ્થળો કરોડો લોકોની આસ્થાના કેન્દ્રો છે. જો આવા પવિત્ર સ્થળોએ ભ્રષ્ટાચાર થયો હોય તો તે અત્યંત શરમજનક બાબત છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી આ મુદ્દો સંસદમાં ઉઠાવશે અને સમગ્ર મામલે પારદર્શક તપાસની માંગ કરશે.
સુપ્રિયા સૂલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લોકોને ભારે વરસાદ દરમિયાન સાવચેત રહેવાની અપીલ પણ કરી હતી. તેમણે સરકારને મુંબઈ-પુણે સહિત ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં શક્ય હોય ત્યાં કર્મચારીઓને 'વર્ક ફ્રોમ હોમ'ની મંજૂરી આપવા વિનંતી કરી. સાથે જ નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી.




