ઘરેલુ વિવાદે લીધો મોટો વળાંક! શશાંક સિંહે મારપીટના આરોપ નકાર્યા



ઘરેલુ વિવાદે લીધો મોટો વળાંક! શશાંક સિંહે મારપીટના આરોપ નકાર્યા



ભોપાલ: પંજાબ કિંગ્સના ક્રિકેટર શશાંક સિંહ અને તેમના પિતા, નિવૃત્ત સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ (ડીજી) શૈલેષ સિંહ પર તેમના ઘરનાં રસોઈયાએ મારપીટ, ગાળો બોલવી અને મોબાઇલ છીનવી લેવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ મામલે રસોઈયાએ ફરિયાદ નોંધાવી છે.
જોકે, શશાંક સિંહે તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.
શશાંક સિંહે IANS સાથે વાત કરતાં જણાવ્યું કે, “મારો તેની સાથે કોઈ ખાસ સંબંધ નહોતો. મેં તેને ફક્ત એટલું પૂછ્યું હતું કે શું શું બનાવી શકે છે, તેણે કહ્યું હતું કે બધું બનાવી શકે છે, પરંતુ પછી તેણે કહ્યું કે તેને કંઈ આવડતું નથી. આવા ખોટા વ્યક્તિ વિશે શું કહું.”
તેમણે વધુમાં કહ્યું કે તેમના ઘરમાં રસોઈયા સાથે કોઈ મારપીટ થઈ નથી. તેમના અનુસાર, તે વ્યક્તિ ઘરનાં ફોટા અને વીડિયો બનાવતો હતો, જેના કારણે તેને તેમની માતાએ ઠપકો આપ્યો હતો.
શશાંક સિંહે દાવો કર્યો કે ગણપતિની મૂર્તિ પણ ગુમ થઈ હતી અને આ મામલામાં ચોરીની શક્યતા નકારી શકાય નહીં. તેમણે જણાવ્યું કે તે સમયે તેઓ ઉપર સૂતા હતા અને પછી જ્યારે નીચે આવ્યા ત્યારે રસોઈયાને ઘર છોડવા કહેવામાં આવી રહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, “ત્રણ દિવસ સુધી બાંધી રાખવાની વાત સંપૂર્ણ ખોટી છે. અમે તેને પોલીસને સોંપ્યો નહોતો કારણ કે અમને લાગ્યું કે એ યોગ્ય નહીં હોય, પરંતુ હવે લાગે છે કે કદાચ તે અમારી ભૂલ હતી.”
શશાંક સિંહે કહ્યું કે આ મામલે પોલીસ દ્વારા તેમને કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી અને અગાઉ તેમના પરિવાર સાથે આવી કોઈ ઘટના બની નથી.




