‘Shaktidoot 2.0’નો શુભારંભ: ગુજરાતના 500 ખેલાડીઓને મળશે વાર્ષિક રૂ. 50 લાખ સુધીની સહાય


‘Shaktidoot 2.0’નો શુભારંભ: ગુજરાતના 500 ખેલાડીઓને મળશે વાર્ષિક રૂ. 50 લાખ સુધીની સહાય


Shaktidoot 2.0: ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓને વધુ પ્રોત્સાહન આપવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘શક્તિદૂત 2.0’ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે રાજ્યમાં રમતગમત અને વાચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂ. 388 કરોડથી વધુના 37 જેટલા રમત સંકુલો અને લાઇબ્રેરી સહિતના માળખાકીય પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારા રાજ્યના 799 ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
500 ખેલાડીઓને મળશે વિશ્વસ્તરીય ટ્રેનિંગ સહાય:
‘શક્તિદૂત 2.0’ યોજનાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે અગાઉ 64 ખેલાડીઓને મળતો લાભ હવે 500 ખેલાડીઓ સુધી વિસ્તૃત કરવામાં આવ્યો છે. પસંદગી પામેલા ખેલાડીઓને પ્રતિ ખેલાડી વાર્ષિક રૂ. 50 લાખ સુધીની ટ્રેનિંગ સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ દિવ્યાંગ રમતવીરો માટે 50 બેઠકોનું ખાસ આરક્ષણ પણ રાખવામાં આવ્યું છે. ખેલાડીઓ પોતાના મેડલ અને રમતગમતના પ્રદર્શનના આધારે સમગ્ર વર્ષ દરમિયાન પોર્ટલ મારફતે સીધી અરજી કરી શકશે.
ઈજાગ્રસ્ત ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિનની સુવિધા:
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રમતવીરોની ઈજા બાદની રિકવરી માટે દેશની નંબર-1 સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિન રિકવરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ખેલાડીઓને દેશ કે વિદેશમાં શ્રેષ્ઠ કોચિંગ અથવા ટેકનિકલ ટ્રેનિંગ લેવાની જરૂરિયાત હોય તો તેની જવાબદારી રાજ્ય સરકાર ઉઠાવશે. આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને આગામી ચાર વર્ષ માટે સઘન તાલીમ મળે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
શક્તિદૂત યોજનાથી 1740 ખેલાડીઓએ જીત્યા મેડલ:
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ 2015થી અત્યાર સુધી શક્તિદૂત યોજના હેઠળ 777 આંતરરાષ્ટ્રીય સહિત કુલ 1740 ખેલાડીઓએ વિવિધ રમતોમાં મેડલ જીત્યા છે. ખેલ મહાકુંભ અને શક્તિદૂત જેવી યોજનાઓથી ગુજરાતના ખેલાડીઓને ગ્રાસરૂટથી લઈને એલિટ લેવલ સુધી આગળ વધવા માટે મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી 10 વર્ષમાં ગુજરાતના ખેલાડીઓ દેશ અને દુનિયામાં ભારત તથા ગુજરાતનું નામ રોશન કરશે. વર્ષ 2030માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓ વધુમાં વધુ મેડલ મેળવી દેશનું ગૌરવ વધારશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી.
799 ખેલાડીઓનું સન્માન:
મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા કુલ 799 ખેલાડીઓને વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ‘શક્તિદૂત 2.0’નું ડિજિટલ AV લોન્ચ કરવામાં આવ્યું તેમજ યોજનાની પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો, ખેલાડીઓ અને તેમના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.




