સારથી સર્વર પાંચ દિવસથી ઠપ્પ, ગુજરાતભરમાં RTOની સેવાઓ ખોરવાઈ; 60 હજારથી વધુ અરજદારો પ્રભાવિત



ફાઈલ ફોટો
સારથી સર્વર પાંચ દિવસથી ઠપ્પ, ગુજરાતભરમાં RTOની સેવાઓ ખોરવાઈ; 60 હજારથી વધુ અરજદારો પ્રભાવિત



ફાઈલ ફોટો
અમદાવાદ: ગુજરાતભરમાં છેલ્લા પાંચ દિવસથી સારથી (Sarathi) સર્વર બંધ રહેતા લર્નિંગ અને કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત RTO સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ RTO કચેરીઓમાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સર્વર સમસ્યાના કારણે છેલ્લા પાંચ દિવસથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ બંધ રહેતા અંદાજે 60 હજાર જેટલા અરજદારો પ્રભાવિત થયા છે. જોકે શુક્રવારથી કેટલીક સેવાઓ આંશિક રીતે શરૂ થતાં અરજદારોને થોડી રાહત મળી છે.
માહિતી મુજબ, રાજ્યની 39 RTO કચેરીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની એપોઇન્ટમેન્ટ ફરીથી નક્કી કરવામાં આવી છે. તેમ છતાં અનેક અરજદારોને હજુ સુધી ‘એપોઇન્ટમેન્ટ રીશેડ્યૂલિંગ’ અંગેનો મેસેજ મળ્યો નથી. આવા અરજદારો RTO કચેરીનો સંપર્ક કરતા તેમને ટૂંક સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી રહી છે.
બીજી તરફ, જેમના લર્નિંગ લાયસન્સની મુદત આ દરમિયાન પૂર્ણ થઈ ગઈ છે તેઓને હવે લાયસન્સ રિન્યૂ કરાવવા માટે વધારાનો ખર્ચ સહન કરવો પડી રહ્યો છે. અરજદારોનો આક્ષેપ છે કે તેમની સમસ્યાઓના નિરાકરણ માટે RTO કચેરીઓમાં કોઈ અસરકારક હેલ્પ ડેસ્ક ઉપલબ્ધ નથી.
સર્વર સમસ્યાના કારણે ફરીથી આપવામાં આવેલી એપોઇન્ટમેન્ટને લઈને પણ અરજદારોમાં નારાજગી જોવા મળી રહી છે. અગાઉ જેમણે ટુ-વ્હીલર અને કાર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એક જ દિવસ અને સમય પર બુકિંગ કરાવ્યું હતું, તેમને હવે અલગ-અલગ તારીખ અને સમય ફાળવવામાં આવ્યા છે.
અરજદારોનું કહેવું છે કે હવે બંને ટેસ્ટ આપવા માટે તેમને બે અલગ-અલગ દિવસ RTO કચેરીમાં હાજર રહેવું પડશે, જેના કારણે કામકાજમાંથી બે વખત રજા લેવાની ફરજ પડશે. આ મુદ્દે અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સારથી સર્વરની ખામીના કારણે છેલ્લા પાંચ દિવસથી રાજ્યભરના હજારો અરજદારો અનિશ્ચિતતા અને મૂંઝવણની સ્થિતિમાં મુકાયા છે.




