સાળંગપુર કોપીરાઇટ વિવાદ: ‘હનુમાનજી સૌના છે, કોપીરાઇટ માત્ર મૂર્તિ અને બ્રાન્ડ સુરક્ષા માટે’ : મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા



સાળંગપુર કોપીરાઇટ વિવાદ: ‘હનુમાનજી સૌના છે, કોપીરાઇટ માત્ર મૂર્તિ અને બ્રાન્ડ સુરક્ષા માટે’ : મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા



બોટાદ: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા કોપીરાઇટ વિવાદ વચ્ચે મંદિર ટ્રસ્ટે સત્તાવાર સ્પષ્ટતા આપી છે. ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે હનુમાનજી પર કોઈ પ્રકારનો કોપીરાઇટ લેવામાં આવ્યો નથી, પરંતુ મંદિરની વિશિષ્ટ મૂર્તિ, તેની ડિઝાઇન અને મંદિરના નામનો દુરુપયોગ અટકાવવા માટે કાનૂની સુરક્ષા મેળવવામાં આવી છે.
મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ, હનુમાનજી સમગ્ર સનાતન સમાજના આરાધ્ય દેવ છે અને તેમના પર કોઈ વ્યક્તિ, સંસ્થા કે ટ્રસ્ટનો અધિકાર હોઈ શકે નહીં. કોપીરાઇટનો હેતુ માત્ર મંદિર સાથે સંકળાયેલી બૌદ્ધિક સંપત્તિનું રક્ષણ કરવાનો છે.
ટ્રસ્ટે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી કેટલાક તત્વો મંદિરના નામે નકલી વેબસાઇટો બનાવી લોકોની ધાર્મિક લાગણીઓ અને આસ્થા સાથે છેડછાડ કરી રહ્યા હતા. આ ઉપરાંત, કેટલાક લોકો સાળંગપુર મંદિરની મૂર્તિ જેવી જ નકલી મૂર્તિઓ તૈયાર કરીને બજારમાં વેચાણ કરતા હોવાની ફરિયાદો પણ મળી હતી. જેના કારણે ભક્તોમાં ગેરસમજ અને છેતરપિંડીના બનાવો સામે આવ્યા હતા.
આવા કૃત્યો પર નિયંત્રણ લાવવા અને ભક્તોને સુરક્ષિત રાખવાના હેતુથી મંદિરની મૂર્તિ અને તેની વિશિષ્ટ ઓળખને કાનૂની રક્ષણ આપવામાં આવ્યું હોવાનું ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે. ટ્રસ્ટે ભારપૂર્વક જણાવ્યું કે આ નિર્ણયનો હેતુ કોઈની ધાર્મિક સ્વતંત્રતા પર અંકુશ લાવવાનો નથી, પરંતુ મંદિરની ઓળખ અને ભક્તોની આસ્થાનું રક્ષણ કરવાનો છે.
તાજેતરમાં કોપીરાઇટના મુદ્દે સોશિયલ મીડિયા અને વિવિધ મંચો પર વિરોધના અવાજો ઉઠ્યા હતા. કેટલાક સનાતન ધર્મના આગેવાનો અને ભક્તોએ હનુમાનજી પર કોપીરાઇટ મૂકાયાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે મંદિર ટ્રસ્ટે હવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હનુમાનજી પર નહીં, પરંતુ મંદિરની વિશિષ્ટ મૂર્તિ અને તેના દુરુપયોગ સામે કાનૂની કાર્યવાહી સરળ બને તે માટે કોપીરાઇટ લેવામાં આવ્યો છે.




