RE-NEET પૂર્વે દેશભરમાં તૈયારીઓ પૂર્ણ, આજે મોકડ્રિલનું આયોજન



RE-NEET પૂર્વે દેશભરમાં તૈયારીઓ પૂર્ણ, આજે મોકડ્રિલનું આયોજન



અમદાવાદ: RE-NEET પરીક્ષા પૂર્વે દેશભરના તમામ પરીક્ષા કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષાની વ્યવસ્થાઓને ચકાસવા માટે આજે દેશભરમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પરીક્ષા કેન્દ્રો સુધી પ્રશ્નપત્ર અને અન્ય જરૂરી સામગ્રી પહોંચાડવા તથા પરત લાવવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવશે.
અમદાવાદમાં RE-NEET માટે કુલ 23 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં આશરે 10,400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યભરમાં કુલ 77 હજારથી વધુ વિદ્યાર્થીઓ RE-NEETમાં ભાગ લેશે.
આ વખતે NEET પરીક્ષામાં વિદ્યાર્થીઓને પ્રથમ વખત 15 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. હવે પરીક્ષાનો કુલ સમયગાળો 3 કલાક 15 મિનિટનો રહેશે.
પરીક્ષા સંબંધિત કોઈપણ મદદ અથવા ફરિયાદ માટે 011-40759000 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર RE-NEET એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માન્ય ઓળખપત્ર સાથે લઈ જવું ફરજિયાત રહેશે.
NTAની ગાઇડલાઇન મુજબ તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષાર્થીઓને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે.




