Get News Alerts

Never miss breaking news updates.

રાંધેજા મર્ડર કેસમાં પેથાપુર પોલીસને સફળતા, ત્રણ આરોપીઓની અટકાયત

ગાંધીનગરના રાંધેજા મર્ડર કેસમાં પેથાપુર પોલીસને મહત્વની સફળતા મળી છે. મગનજી ઠાકોરની હત્યાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે હત્યા પાછળ અંગત અદાવત અને મૃતકની પત્ની સાથે સંબંધ બાંધવાના પ્રયાસનું કારણ સામે આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jun 2026 01:23 PM IST
રાંધેજા મર્ડર કેસમાં પેથાપુર પોલીસને સફળતા, ત્રણ આરોપીઓની અટકાયતરાંધેજા મર્ડર કેસમાં પેથાપુર પોલીસને સફળતા, ત્રણ આરોપીઓની અટકાયત

ગાંધીનગર: ગાંધીનગરના રાંધેજા ફાટક નજીકથી મળેલા મગનજી ઠાકોરના હત્યા કેસમાં પેથાપુર પોલીસે મહત્વની સફળતા મેળવી છે. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે ડીવાયએસપી આયુષ જૈને વિસ્તૃત માહિતી આપી હતી.

મળતી માહિતી મુજબ ગત 3 જૂનના રોજ રાંધેજા રેલવે ફાટક નજીક આવેલા ખુલ્લા ખેતરમાંથી મગનજી ઠાકોર નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પેથાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપી લાલજી ઠાકોર મૃતકની પત્ની સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કરતો હતો. આ બાબતને લઈને મૃતક અને આરોપી વચ્ચે અણબનાવ ચાલતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ મગનજી ઠાકોરને ગાડીમાં બેસાડ્યા બાદ કપડાથી ગળું દબાવી તેની હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવા છુપાવવાના ઇરાદે મૃતદેહને રાંધેજા રેલવે ફાટક પાસે આવેલા ખુલ્લા ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

પેથાપુર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. સાથે જ મૃતકની પત્નીની સંભવિત ભૂમિકા અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને હત્યા પાછળના તમામ કારણો તેમજ સંડોવાયેલા અન્ય લોકો અંગે તપાસ ચાલી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.