રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધી, ₹16 કરોડની લોન વસૂલવા બેંકે મિલકતો પર ચોંટાડ્યા નોટિસ


રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધી, ₹16 કરોડની લોન વસૂલવા બેંકે મિલકતો પર ચોંટાડ્યા નોટિસ


બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા અભિનેતા સામે હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ લોન વસૂલાતની પ્રક્રિયા તેજ કરી છે. બેંકે શાહજહાંપુરમાં આવેલી રાજપાલ યાદવની બે મિલકતોને હરાજી માટે ચિહ્નિત કરીને ત્યાં નોટિસ ચોંટાડી છે.
બેંકના રેકોર્ડ મુજબ રાજપાલ યાદવ પર ₹16 કરોડ 61 લાખ 64 હજારનું દેવું બાકી છે. લોનની વસૂલાત માટે બેંકે ગિરવે મૂકેલી મિલકતોનો કબજો લઈને હરાજીની પ્રક્રિયા શરૂ કરી છે.
હરાજી માટે ચિહ્નિત મિલકતોમાં શાહજહાંપુર શહેરમાં આવેલી એક મિલકત ઉપરાંત ગામમાં આવેલું ખેતર અને મકાન સામેલ છે. બેંકે બંને મિલકતોની કુલ અનામત કિંમત ₹3 કરોડ 19 લાખ 26 હજાર નક્કી કરી છે. બેંકની પ્રક્રિયા મુજબ આ મિલકતોની ઈ-હરાજી 9 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાશે.
મળતી માહિતી મુજબ રાજપાલ યાદવે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ના નિર્માણ માટે બેંક પાસેથી આ લોન લીધી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ ન થતાં લોનની હપ્તાની ચુકવણી સમયસર થઈ શકી નહોતી અને વ્યાજ વધતું ગયું. હવે આ રકમ 16 કરોડથી વધુ થઈ ગઈ છે.
લોન લેતી વખતે રાજપાલ યાદવે પત્ની રાધા યાદવ અને માતા ગોદાવરી યાદવની મિલકતો પણ ગેરંટર તરીકે ગિરવે મૂકી હતી. શાહજહાંપુર ઉપરાંત મુંબઈની કેટલીક મિલકતો અંગે પણ બેંકની વસૂલાત પ્રક્રિયા ચાલી રહી હોવાનું કહેવાય છે.
અગાઉ દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને દોષિત ઠેરવી ત્રણ મહિનાની કેદની સજા સંભળાવી હતી.




