રાજસ્થાનના ટોંકમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસની ટ્રક સાથે ટક્કર, 22 લોકો ઈજાગ્રસ્ત; ડ્રાઈવરની હાલત ગંભીર


રાજસ્થાનના ટોંકમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસની ટ્રક સાથે ટક્કર, 22 લોકો ઈજાગ્રસ્ત; ડ્રાઈવરની હાલત ગંભીર


રાજસ્થાનના ટોંક જિલ્લામાં નયા ગામ નજીક નેશનલ હાઈવે-52 પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસમાં અંદાજે 25 મુસાફરો સવાર હતા.
મળતી માહિતી મુજબ, મુસાફરો દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બસની ટ્રક સાથે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને તંત્રની મદદથી ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્મતમાં ઈજાગ્રસ્ત એક મહિલા મુસાફરે જણાવ્યું હતું કે તેઓ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં બસનો અકસ્માત થયો હતો. અન્ય એક મહિલા મુસાફરે જણાવ્યું કે કોટાથી સ્વસ્તિધામ દર્શન માટે બસ રવાના થઈ હતી અને રસ્તામાં ટ્રક સાથે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
કોટાની રહેવાસી રેનુ જૈને જણાવ્યું હતું કે બસની ટક્કરને કારણે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મુસાફર મુકેશ કુમાર જૈને જણાવ્યું કે તેઓ કોટાથી મોજમાબાદ દર્શન માટે જઈ રહ્યા હતા. રસ્તામાં ઉભેલા ટ્રેલર સાથે બસ અથડાઈ હતી. બસમાં 25 લોકો સવાર હતા, જેમાંથી 22 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ છે. અકસ્માતમાં બસના ડ્રાઈવરની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જયપુર રિફર કરવામાં આવી રહ્યા છે.




