NDAની 'મંગળ મિલન' બેઠકમાં પેપર લીક મુદ્દે ચર્ચા, PM મોદીએ કહ્યું, આ ગંભીર ચિંતાનો વિષય

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન યોજાયેલી NDAની 'મંગળ મિલન' બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ બેઠકની વિગતો આપતાં જણાવ્યું કે સરકાર આ પ્રકારના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે.
Rahul Desai
Rahul Desai
NDAની 'મંગળ મિલન' બેઠકમાં પેપર લીક મુદ્દે ચર્ચા, PM મોદીએ કહ્યું, આ ગંભીર ચિંતાનો વિષયNDAની 'મંગળ મિલન' બેઠકમાં પેપર લીક મુદ્દે ચર્ચા, PM મોદીએ કહ્યું, આ ગંભીર ચિંતાનો વિષય

નવી દિલ્હી  સંસદના ચોમાસુ સત્ર વચ્ચે યોજાયેલી NDAની 'મંગળ મિલન' બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDAના સાંસદોને સંબોધિત કર્યા હતા. બેઠકમાં તાજેતરમાં ચૂંટાયેલા નવા રાજ્યસભા સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને જનહિતમાં અસરકારક કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

બેઠક બાદ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે NEET પેપર લીક સહિત પેપર લીકના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. વડાપ્રધાને તેને દેશના યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો.

રિજિજૂએ જણાવ્યું કે સરકારને પેપર લીકની માહિતી મળતા જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં 13 આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન ન થાય તે માટે ઝડપથી ફરી પરીક્ષા યોજાઈ અને પરિણામ પણ સમયસર જાહેર કરવામાં આવ્યું.

તેમણે કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સરકાર કડક અને સંપૂર્ણ સુરક્ષિત વ્યવસ્થા તૈયાર કરી રહી છે. પેપર લીકમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને કડક સજા મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.

બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભારત દ્વારા વિવિધ દેશો સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે દરેક વેપાર કરારમાં ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે અને ખેડૂતોના હિત સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.

વડાપ્રધાને સંસદના ચોમાસુ સત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે NDA દેશહિતના તમામ મહત્વના વિધેયકો અને કાર્યોને આગળ વધારશે. સાથે જ તેમણે વિરોધ પક્ષોને પણ સંસદની ગરિમા જાળવી રાખીને દેશ અને યુવાનોના ભવિષ્ય માટે રચનાત્મક સહકાર આપવા અપીલ કરી.