આષાઢી બીજે કચ્છી નવવર્ષની ઉજવણી, PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ


ફાઈલ ફોટો
આષાઢી બીજે કચ્છી નવવર્ષની ઉજવણી, PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ


ફાઈલ ફોટો
નવી દિલ્હી: આષાઢી બીજના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં વસતા કચ્છી સમાજને કચ્છી નવવર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કરેલી પોસ્ટમાં તેમણે કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને માટી સાથેના લોકોના અતૂટ સંબંધનું ભાવપૂર્ણ વર્ણન કર્યું હતું.
વડાપ્રધાને કચ્છની લોકપ્રિય કહેવતનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, "કચ્છના લોકોનો પોતાનો જ અંદાજ છે. જેમ દરિયામાં માછલીઓ હોય છે, તેમ કચ્છમાં રહેતો દરેક વ્યક્તિ કચ્છનો જ બની જાય છે." તેમણે વધુમાં જણાવ્યું કે આષાઢી બીજ કચ્છનો વિશેષ તહેવાર છે અને દેશ-વિદેશમાં વસતા કચ્છી ભાઈ-બહેનોને 'રામ-રામ' અને 'જીજી-જીજી' કહીને નવવર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કચ્છવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે કચ્છની મહેનતુ પ્રજા, સમૃદ્ધ સંસ્કૃતિ અને કલાત્મક વારસો સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. આ નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી.
રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને પરિવહન રાજ્યમંત્રી પ્રવીણ ગોરધનજી માલીએ પણ આષાઢી બીજ નિમિત્તે કચ્છી સમાજને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કચ્છની સંસ્કૃતિ અને પરંપરાને ગુજરાતની અમૂલ્ય ધરોહર ગણાવી હતી.
બીજી તરફ, ભાજપના સાંસદ મયંક નાયકે પણ કચ્છી સમાજને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતાં આશા વ્યક્ત કરી કે નવું વર્ષ દરેક પરિવાર માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા લઈને આવે.
કચ્છમાં આષાઢી બીજને કચ્છી નવવર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. દેશ-વિદેશમાં વસતા કચ્છી સમાજ માટે આ દિવસ વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.




